શુદ્ધોપયોગમાં ઉત્સાહથી આત્માને જોડ.
શુદ્ધોપયોગી જીવોનું પરમ અનુપમ સુખ, તે અજ્ઞાનીઓને લક્ષમાં પણ આવતું નથી.
આગળ કહેશે કે સિદ્ધભગવંતોના અને કેવળીભગવંતોના ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખનું
સ્વરૂપ સાંભળતાંવેંત જે જીવ ઉત્સાહથી તેનો સ્વીકાર કરે છે તે આસન્નભવ્ય છે. આ
અતીન્દ્રિય સુખના વર્ણનને ‘આનંદ અધિકાર’ કહ્યો છે; હે જીવો! વિષયોમાં સુખબુદ્ધિ
છોડીને આત્માના આશ્રયે આવા પરમ આનંદરૂપે પરિણમો.
અનંત સમાધિસુખ’ એવું સુખ શુદ્ધોપયોગથી જ પમાય છે. અતીન્દ્રિયસુખમાં શુભરાગનું
તો ક્્યાંય નામનિશાન નથી; રાગથી ને રાગના ફળરૂપ સામગ્રીથી પાર એવું તે સુખ છે.
તે સુખ પ્રગટ્યા પછી વચ્ચે કદી તેમાં ભંગ પડતો નથી, અચ્છિન્નપણે નિરંતર તે સુખ
વર્તે છે. શુદ્ધોપયોગી જીવોને આવું ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખ છે તે સર્વથા ઈષ્ટ છે,
આદરણીય છે, પ્રશંસનીય છે.–શુદ્ધોપયોગનું આવું ફળ બતાવીને આત્માને તેમાં
પ્રોત્સાહિત કર્યો. જેમ સૂર્યને ઉષ્ણતા માટે કે પ્રકાશ માટે બીજા પદાર્થની જરૂર નથી,
સ્વયમેવ તે ઉષ્ણ ને પ્રકાશરૂપ છે; તેમ સુખ અને જ્ઞાનને માટે આત્માને કોઈ બીજા
પદાર્થની જરૂર નથી, સ્વયમેવ આત્મા પોતે સ્વભાવથી જ સુખસ્વરૂપ ને જ્ઞાનસ્વરૂપ છે.
અહો, આવા આત્માને શ્રદ્ધામાં તો લ્યો. સિદ્ધભગવંતોના સુખને ઓળખતાં આવો
આત્મસ્વભાવ ઓળખાય છે. ઈન્દ્રિયોથી જ્ઞાન થવાનું માને, રાગથી સુખ થવાનું માને
તેણે સિદ્ધભગવંતોને કે કેવળીભગવંતોને માન્યા જ નથી; વીતરાગપરમેશ્વરને તે
ઓળખતો નથી, તેણે તો રાગને માન્યો છે. રાગ વગરનું જ્ઞાન ને સુખ પ્રતીતમાં લ્યે, તો
તો રાગથી ભિન્ન આત્મસ્વભાવ અનુભવમાં આવી જાય; પોતાને તેવા અતીન્દ્રિય
સુખનો ને અતીન્દ્રિયજ્ઞાનનો અંશ પ્રગટ્યો ત્યારે સર્વજ્ઞના સુખની ને જ્ઞાનની સાચી
પ્રતીતિ થઈ.