: ૨૨ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
જાણવારૂપ જ્ઞાનભાવમાં તારી સત્તા છે. અનંતગુણોથી અભેદ તારો આત્મા, તે જ્યાં
ગુણભેદના વિકલ્પવડેય અનુભવમાં આવતો નથી, ત્યાં રાગાદિનું કર્તા–ભોક્તાપણું
તેનામાં કેવું? બરફની ઠંડી પાટ જેવી જે શીતળ ચૈતન્યશિલા, તેમાંથી રાગાદિ
વિકલ્પોરૂપી અગ્નિ કેમ નીકળે? જેમાં જે તન્મય હોય તેને જ તે કરી કે ભોગવી શકે. પણ
જેનાથી જે ભિન્ન હોય તેને તે કરી કે વેદી શકે નહીં. જ્ઞાન સિવાય બીજા ભાવને કરે કે
વેદે તે સાચો આત્મા નહિ. દ્રવ્યના સ્વભાવમાં રાગદ્વેષાદિ નથી, એટલે તે સ્વભાવને
જોનારી જ્ઞાનદ્રષ્ટિમાં પણ રાગદ્વેષનું કર્તા–ભોક્તાપણું નથી. રાગદ્વેષની ઉત્પત્તિ
જ્ઞાનમાંથી થતી નથી. રાગ અને જ્ઞાન ત્રિકાળ ભિન્ન છે. આવું અપૂર્વ ભેદજ્ઞાન તે
જન્મ–મરણના અંતનો ઉપાય છે.
[અથવા, જયસેનાચાર્યની ટીકામાં એવું પાઠાંતર છે કે ‘दिट्ठी खयं पि णाणं...’
એટલે કે જેમ શુદ્ધદ્રષ્ટિ અકર્તા ને અભોક્તા છે તેમ ક્ષાયિકજ્ઞાન પણ કર્મના બંધ–મોક્ષ
વગેરેનું અકર્તા ને અભોક્તા જ છે. ચોથા ગુણસ્થાનની દ્રષ્ટિથી માંડીને ઠેઠ ક્ષાયિકજ્ઞાન
સુધી અકર્તા–અભોક્તાપણું છે. કેવળજ્ઞાન થતાં પુણ્યનું કે વાણી વગેરેનું કર્તા–
ભોક્તાપણું થઈ જાય–એમ નથી. એ પુણ્યફળ ને એ વાણી–સમવસરણ વગેરે બધુંય
જ્ઞાનથી ભિન્ન છે, જ્ઞાન તે કોઈને કરતુંય નથી ને ભોગવતુંય નથી, માત્ર જાણે છે. એવી
જ રીતે સાધકનું જ્ઞાન પણ માત્ર જાણનાર છે, તે કાળે વર્તતા રાગાદિને તે જ્ઞાન કરતું
નથી, ભોગવતું નથી.
અહો, જ્ઞાનસ્વભાવ આત્મા, તેને ભગવાને પ્રસિદ્ધ કર્યો છે. તીર્થંકરભગવાન
પહેલાં સાધકદશામાં મુનિપણે હતા ત્યારે તો મૌનપણે વનજંગલમાં રહેતા ને આત્માના
ધ્યાનમાં જ રહેતા, ને હવે કેવળજ્ઞાન થયું–ક્ષાયિકજ્ઞાન થયું ત્યારે તો પુણ્યફળના ઠાઠ
જેવા સમવસરણની વચ્ચે બેસે છે ને દિવ્યધ્વનિ કરે છે!–એમ પરનું કર્તૃત્વ દેખનારે
ભગવાનને ઓળખ્યા જ નથી. અરે ભાઈ, ભગવાનનો આત્મા જ્ઞાનમાત્રભાવમાં
તન્મયપણે વર્તે છે; એ વાણી, એ સમવસરણ, એ બારસભા, વગેરે પુણ્યના ઠાઠ તે કોઈ
ભગવાનના જ્ઞાનનું કાર્ય નથી, તેમાં ક્્યાંય ભગવાનનું જ્ઞાન પ્રવેશ્યું નથી. ભગવાને
વાણી કરી એમ શાસ્ત્રોમાં ઉપચારથી જ કહેવામાં આવે છે. ખરેખર જ્ઞાનમાં વાણી
વગેરેનું કર્તાભોક્તાપણું નથી. આવા જ્ઞાનસ્વરૂપ આત્માની ઓળખાણ તે ધર્મ છે.
* * *