આચાર્યદેવે આત્માનો પરથી ભિન્ન અકર્તા–અભોક્તા જ્ઞાનમાત્ર સ્વભાવ બતાવ્યો
છે.
કર્તા–ભોક્તાપણું સમાતું નથી, જ્ઞાનમાં રાગાદિનું કર્તાપણું માનવું તે તો આંખ પાસે
પથરા ઉપડાવવા જેવું છે. જ્ઞાનભાવની મૂર્તિ આત્મા છે, તે જ્ઞાનરૂપે પરિણમેલા
જ્ઞાની રાગાદિના કર્તા–ભોક્તાપણે પરિણમતા નથી. જ્ઞાનના પરિણમનમાં રાગનું
પરિણમન નથી. શુદ્ધપરિણતિમાં અશુદ્ધ પરિણતિનું કર્તૃત્વ કેમ હોય?
શુદ્ધપરિણતિરૂપે પરિણમેલો જીવ પણ રાગાદિ અશુદ્ધતાનો કર્તા–ભોક્તા નથી. તેનું
ઉપાદાન શુદ્ધપણે પરિણમી રહ્યું છે. શુદ્ધ ઉપાદાનરૂપે પરિણમતો તે જીવ શુદ્ધભાવનો
જ કર્તા–ભોક્તા છે, તે અશુદ્ધતાનો કર્તા–ભોક્તા નથી. આવી શુદ્ધતારૂપે પરિણમેલો
આત્મા તે શુદ્ધઆત્મા છે.
જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા ને અનુભવ કરવો તે કરવાનું છે. પરભાવનું કર્તૃત્વ–ભોક્તૃત્વ
જ્ઞાનને સોંપવું તે તો બોજો છે, કોઈ આંખ પાસે રેતી ઉપડાવવા માંગે તો તે
આંખનો નાશ કરવા જેવું છે; તેમ જડનું ને પુણ્ય–પાપનું કાર્ય જ્ઞાન પાસે કરાવવા
માગે છે તેને જ્ઞાનની શ્રદ્ધા જ નથી. ધર્મી તો વિકાર વગરના જ્ઞાનમાત્રભાવે પોતાને
અનુભવે છે. શુદ્ધદ્રષ્ટિની જેમ શુદ્ધજ્ઞાન (ક્ષાયિકજ્ઞાન) પણ રાગાદિનું અકર્તા–
અભોક્તા છે. ક્ષાયિકજ્ઞાન કહેતાં તેરમા ગુણસ્થાનની જ વાત ન સમજવી; ચોથા
ગુણસ્થાનથી પણ જે શુદ્ધ જ્ઞાનપરિણમન થયું છે તે પણ ક્ષાયિકજ્ઞાનની જેમ જ
રાગાદિનું અકર્તા ને અભોક્તા છે. જ્ઞાનનો સ્વભાવ જ રાગાદિનો અકર્તા–અભોક્તા
છે. અહો! મિથ્યાત્વ છૂટતાં જીવ સિદ્ધસદ્રશ છે. જેમ કેવળજ્ઞાન થતાં રાગાદિનું કર્તા–
ભોક્તાપણું જરાપણ રહેતું નથી તેમ અહીં પણ જ્ઞાનનો એવો જ સ્વભાવ છે–એમ
ધર્મીજીવ જાણે છે.