: ૨૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
(સ. ગા. ૧૧ ચાલુ) (શ્રી આસો વદ ૪)
[હે જીવો! સ્વભાવસન્મુખ થઈને આનંદને આજે જ અનુભવો]
પરથી ભિન્ન આત્મવસ્તુ, તે બે અંશરૂપ છે–ત્રિકાળ દ્રવ્યસ્વભાવ, અને
ક્ષણિકપર્યાય; તેમાં ત્રિકાળી દ્રવ્યસ્વભાવ શુદ્ધ છે, તેના આશ્રયે પર્યાયની શુદ્ધતા થાય છે;
તેથી દ્રવ્યસ્વભાવને મુખ્ય કર્યો ને પર્યાયને ગૌણ કરી. પર્યાયનો અભાવ નથી પણ ગૌણ
છે.–આ રીતે વસ્તુ સધાય છે એટલે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક વીતરાગભાવ થાય છે.
ધ્રુવસ્વભાવને દેખનારી તો પર્યાય છે. તે પર્યાયનો નિષેધ કરે તો ધ્રુવને દેખશે
કોણ? દેખનારી પર્યાય અંદર ઝુકી ત્યારે શુદ્ધનયઅનુસાર સાચા આત્માનો બોધ થયો.
શુદ્ધનય તો પર્યાય છે, પણ તે રાગથી ભિન્ન થઈને ભૂતાર્થસ્વભાવમાં એકાગ્ર થઈ–સ્વધ્યેયને
પકડીને તેમાં લીન થઈ, ત્યારે ભૂતાર્થનો આશ્રય થયો ને ત્યારે શુદ્ધઆત્માનું સમ્યક્ દર્શન
થયું; આત્માનું સાચું જીવન તેને પ્રગટ્યું... જ્ઞાયકભાવ તેને પર્યાયમાં પ્રગટ્યો, પરમાત્માનાં
તેને દર્શન થયા; સિદ્ધપ્રભુ તેની પર્યાયમાં પધાર્યા. આવી અપૂર્વ આ વાત છે.
રાગાદિ વિકલ્પોથી પરમાત્મા દૂર છે; અંતર્મુખ જ્ઞાનપર્યાયમાં પરમાત્મા સમીપ વર્તે
છે. સમ્યગ્દ્રષ્ટિ તેને કહ્યો કે જે શુદ્ધ–જ્ઞાયકભાવપણે જ પોતાને અનુભવે છે, તેમાં અશુદ્ધતા
નથી. જ્ઞાયકસ્વભાવ શુદ્ધ છે ને તેમાં પર્યાય એકાગ્ર થઈ એટલે શુદ્ધનો જ અનુભવ રહ્યો.
ભૂતાર્થસ્વભાવમાં દ્રષ્ટિ કરી ત્યાં અભૂતાર્થ એવા બંધભાવો બહાર રહી ગયા.–તે પર્યાયમાં
શુદ્ધનો જ અનુભવ રહ્યો. તે સાચો આત્મા, તે ભૂતાર્થઆત્મા, ને તે સમ્યગ્દર્શન છે.
પ્રભુ! એકવાર સુન તો સહી...આ તારા સમ્યગ્દર્શનની મધુરી વાત! તારું
શુદ્ધદ્રવ્ય તારામાં છે, તેના આશ્રયે તારી શુદ્ધપર્યાય તારામાં છે, તારો મોક્ષ તારામાં છે,
તારો મોક્ષમાર્ગ તારામાં છે. પર સાથે કે રાગ સાથે તારે કદી તન્મયતા નથી. આવું
ભેદજ્ઞાન કરીને અંતર્મુખ થતાં સ્વમાં પર્યાય અભેદ થઈ, ત્યાં તેમાં ગુણભેદ કે
પર્યાયભેદનું લક્ષ રહેતું નથી; જ્ઞાન–દર્શન–ચારિત્રપર્યાયના ભેદો આત્માના સ્વભાવમાં
નથી. તે પર્યાયોનો અભાવ નથી, જ્ઞાનદર્શનાદિ ગુણોનો અભાવ નથી, પણ અભેદરૂપ
એક ભૂતાર્થ આત્માને દેખતાં તેમાં ગુણ–પર્યાયના ભેદોનો વિકલ્પ રહેતો નથી.
શુદ્ધઆત્માની આવી અનુભૂતિ તે શુદ્ધનય છે, તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એટલે
અતીન્દ્રિયઆનંદનું મધુરું ઝરણું!