: ૨૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
અનાદિ–અનંત
મંગળરૂપ આત્મા
*
‘षट्खंडागम’ એ જિનેન્દ્રભગવાનની વાણીનો સીધો
પ્રસાદ છે, તેમાં વીતરાગતાની અનેક અવનવી વાનગી ભરેલી
છે; ગુરુદેવ પણ કોઈવાર તેમાંથી અદ્ભુત વાનગી પીરસે છે.
એવી એક સુંદર પ્રસાદી દીવાળીના પ્રસંગે અહીં આપી છે.
અવારનવાર આવી વાનગી ‘આત્મધર્મ’ માં આપવાની
ભાવના છે.
શ્રી ધવલશાસ્ત્રના ભાગ ૧ પૃ. ૩૪ થી ૩૯ માં આત્માના માંગળિકનો અધિકાર
ઘણો જ અપૂર્વ છે. આ અધિકાર દ્વારા આચાર્યભગવાન જીવસ્વભાવની ઓળખાણ
કરાવે છે: જીવ મંગળ છે, પણ જીવની અવસ્થામાં થતા મિથ્યાત્વાદિ ભાવો મંગળરૂપ
નથી, એમ સ્વભાવ અને વિભાવ વચ્ચે અપૂર્વ રીતે ભેદવિજ્ઞાન કરાવ્યું છે. ખરેખર એ
મંગળ અધિકાર પોતે મહા મંગળરૂપ છે.
પૃ. ૩૬માં આચાર્યપ્રભુ જણાવે છે કે–દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાથી જીવ અનાદિ
અનંત મંગળસ્વરૂપ છે.
ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે કે એ રીતે જીવને અનાદિ–અનંત મંગળ કહેતાં તો
મિથ્યાત્વઅવસ્થામાં પણ જીવને મંગળપણાની પ્રાપ્તિ થઈ જશે?
ત્યાં સમાધાન કરતાં આચાર્યદેવ વીરસેનસ્વામી જણાવે છે કે એવો પ્રસંગ તો
અમને ઈષ્ટ જ છે! વાહ, અહીં આચાર્યભગવાન કહે છે કે વિકારીદશા વખતે પણ
જીવનો સ્વભાવ મંગળરૂપ છે તે તો અમારે સિદ્ધ કરવું છે. વિકાર વખતે તારો સ્વભાવ
તે વિકારમય થઈ ગયો નથી; પણ વિકાર વખતે ય તારો સ્વભાવ મંગળરૂપ જ છે.
એટલે અવસ્થાને ગૌણ કરીને સ્વભાવદ્રષ્ટિથી જીવસ્વભાવની ઓળખાણ કરાવે છે. આ
સંબંધી વિશેષ ખુલાસો કરતાં આચાર્યપ્રભુ જણાવે છે કે–