: ૩૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
* પોસ્ટ ઓફિસને ધન્યવાદ! ભારત બહાર એડિસઅબાબા (ઈથીઓપીઆ) માં
આપણા એક સભ્ય (No. ૧૬૧૬) છે. ગત દિવાળીએ (એક વર્ષ પહેલાં) તેમને
દીવાળીનું અભિનંદન કાર્ડ આપણે મોકલેલ, પણ ભૂલથી કાર્ડ ઉપર છ પૈસાની જ ટીકીટ
લગાડેલી; એમાં તો તે કાર્ડ પરદેશ પહોંચ્યું, ત્યાં ત્રણ વખત તપાસ કરી, અંતે નવ
મહિને ભારત પાછું આવ્યું ને કાંઈપણ વધુ ચાર્જ વગર આપણને મળ્યું–જે અત્યારેય
બાલવિભાગની ફાઈલને શોભાવી રહ્યું છે.
* દિલ્હીથી દીપક જૈન લખે છે–“આત્મધર્મ વાંચી ખૂબ જ આનંદ થયો.
સોનગઢમાં પંચપરમેષ્ઠી ભગવંતોનો મેળો ભરાયો છે, તો તે મેળામાં આવવાનું ખૂબ જ
મન થાય છે.”
* અમેરિકાના આપણા સભ્ય મધુબેન જૈન લખે છે કે: જન્મદિવસનું કાર્ડ મળતાં
ખૂબ આનંદ થયો. અહીં આત્મધર્મ મળતાં તો જાણે સોનગઢ જ મળ્યું હોય એવો આનંદ
થાય છે. ‘આત્મધર્મ’ રસપૂર્વક વાંચું છું ને અમારા જેવા માટે તો તે આશીર્વાદરૂપ છે.
ભારતના મારા બાલવિભાગના મિત્રોની પ્રગતિ જણાવતા રહેશો.”
* ગોરેગાંવથી શૈલાબેન જૈન (નં. ૨૯પ) લખે છે કે આત્મધર્મ તથા તેનો
બાલવિભાગ ઘણા ઉત્સાહથી વાંચીએ છીએ. તેમાં પ્રશ્નો પૂછો ત્યારે એવા પ્રશ્ન પૂછશો કે
આત્મધર્મમાંથી જ તેનો જવાબ મળી રહે...ને અમારે તે શોધવા માટે ફરજિયાત આખું
‘આત્મધર્મ’ વાચંવું પડે. (બહેન, આવી યોજના આ અંકમાં જ રજુ થાય છે.) તમારા
પ્રશ્નોના જવાબ હવે પછી આપીશું; તમે તથા તમારા ભાઈ–બહેને દરરોજ સ્વાધ્યાય
કરવાનો જે નિયમ કર્યો તે બદલ ધન્યવાદ!
– –
–: વૈરાગ્ય સમાચાર :–
અંક છાપતાં છાપતાં ગોંડલના સમાચાર છે કે ત્યાંના પટેલ ભુરાભાઈ
રૂડાભાઈને તા. ૧પ–૧૦–૬૮ ના રોજ સર્પદંશ થતાં તેઓ સ્વર્ગવાસ પામી ગયા છે.
તેમની ઉંમર માત્ર ૩૭ વર્ષની હતી. તેઓ કોઈ કોઈ વાર સોનગઢ પણ આવતા, ને
ગોંડલમાં લગભગ દરરોજ જિનમંદિરે જતા હતા. સર્પદંશ પછી તેઓ ચાલીને ઈસ્પિતાલે
ગયેલા ને મુમુક્ષુભાઈઓ સાથે ધર્મસંબંધી વાત કરતા હતા. દેવ–ગુરુ–ધર્મના શરણે તેઓ
આત્મહિત પામે–એ જ ભાવના.