Atmadharma magazine - Ank 301
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 45

background image
: ૩૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
અનંત આત્મા, તેમાં એકેક આત્મા સર્વજ્ઞસ્વભાવથી પરિપૂર્ણ; તે એક આત્મામાં
અનંત ગુણો; એકેક ગુણમાં અનંતી પર્યાય થવાની તાકાત;–આવી આત્મવસ્તુ તે જ
જગતમાં સર્વોત્તમ વસ્તુ છે; આવી સ્વ–વસ્તુને ઓળખીને તેમાં વાસ કરવો તે સાચું
વાસ્તુ છે; તે સ્વઘરમાં આવીને વસ્યો, તેમાં અતીન્દ્રિયસુખનું વેદન છે. આવા આત્માના
અનુભવથી ઉત્તમ જગતમાં બીજું કાંઈ નથી. અનંત ગુણ–પર્યાયની તાકાતથી પરિપૂર્ણ
આત્મા, તેને પ્રતીતમાં–અનુભવમાં લીધો તે સુખથી ભરેલા સ્વ–ઘરમાં આવીને વસ્યો.
આત્માની જાહોજલાલી અપાર છે. આખી દુનિયાની જાહોજલાલીનું જ્ઞાન તો જેની એક
પર્યાયમાં સમાઈ જાય છે–તેના અનંતગુણની જાહોજલાલીની શી વાત? આવા
અનંતગુણ–પર્યાયરૂપી ધન આત્મામાં ભર્યું છે. આ ધનતેરસનું ધન! ને આ આત્મામાં
અપૂર્વ વાસ્તુ! આવા સ્વઘરમાં વસ્યો તેને કોઈની ફીકર રહેતી નથી...નિશ્ચિંત નીરાકુળ
થઈને નિજસ્વભાવના આનંદને તે વેદે છે.
શુદ્ધઆત્માની પ્રસિદ્ધિ શુદ્ધનયને આધીન છે. શુદ્ધનય વડે ભગવાન આત્માની
ચૈતન્યલક્ષ્મી પ્રગટ થાય છે. જડ–પૈસા વગેરે લક્ષ્મી તે કાંઈ આત્માની લક્ષ્મી નથી. પૈસા
મળો, લક્ષ્મી મળો–એનો અર્થ જડનો સંયોગ મળો–એમ અજ્ઞાની સંસારની ભાવના
આવે છે. ધર્માત્મા તો ચૈતન્યલક્ષ્મીની ભાવના ભાવે છે–જેમાં જડનો સંયોગ નથી,
રાગનો વિકલ્પ નથી. શુદ્ધ આત્માના અનુભવથી સમ્યગ્દર્શનાદિ વીતરાગી રત્નત્રય
પ્રગટે–તે જ આત્માનું સાચું ધન છે. એવો અનુભવ કર્યો તેણે સાચી ધનતેરસ ઉજવી.
અહા, મનુષ્યપણામાં આવો આત્મા ઓળખે તેનું માનવપણું સફળ છે. આત્માનો
પ્રેમ જો ન કર્યો ને રાગનો–સંયોગનો પ્રેમ રાખ્યો તો તેના ફળમાં ચારગતિનાં દુઃખ છે.
ભાઈ, એકરૂપ તારું શુદ્ધસ્વરૂપ–જે સંયોગ સાથે કે રાગ સાથે કદી એકમેક ન થાય, તેને
લક્ષમાં લઈને તેનો પ્રેમ કર, તેની શ્રદ્ધા અને અનુભવ વડે પરમ સુખરૂપ મોક્ષદશા પ્રગટ
થશે ને ચારગતિનાં દુઃખનો અંત આવશે. ભગવાન મહાવીર પરમાત્માએ પાવાપુરીમાં
આવો ઉપદેશ આપ્યો હતો, ને આવા જ માર્ગથી તેઓ મોક્ષ પામ્યા. જગતના જીવોને
મોક્ષ માટે આવો માર્ગ ભગવાને બતાવ્યો.
[વાસ્તુપ્રસંગે ભાઈશ્રી પ્રેમચંદભાઈએ સજોડે બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર
કરી હતી; તથા છહઢાળાના પ્રવચનનોનું પુસ્તક છપાવીને આત્મધર્મના ગ્રાહકોને
ભેટ આપવાનું જાહેર કર્યું હતું.
]