દેવો નંદીશ્વર જાય છે... નંદીશ્વરના શાશ્વત જિનમંદિરો
આપણે જંબુદ્વીપમાં રહીએ છીએ, ત્યારપછી ધાતકીખંડદ્વીપ અને
અર્ધો પુષ્કરદ્વીપ–એમ અઢી દ્વીપ સુધી મનુષ્યક્ષેત્ર છે; ત્યારપછી આગળ
જતાં આઠમો નંદીશ્વરદ્વીપ છે; ત્યાંના શાશ્વત જિનમંદિરોમાં દેવો પૂજા કરવા
જાય છે. અત્યારે કા. સુ. ૮ થી ૧પ એ નંદીશ્વરદ્વીપપૂજનનું અષ્ટાહ્નિકાપર્વ
છે. પૂર્વે વાસુપૂજ્ય ભગવાનના વખતમાં વાનરદ્વીપમાં શ્રીકંઠરાજા હતા;
અષ્ટાહ્નિકા વખતે ઈન્દ્ર (કે જે પૂર્વભવમાં તેના ભાઈ હતા તે) વિમાનમાં
બેસીને નંદીશ્વર જતા હતા. તેમને દેખીને શ્રીકંઠરાજાને પણ નંદીશ્વર
જવાની ભાવના થઈ, ને વિમાનમાં બેસીને ચાલ્યા. પણ માનુષોત્તરપર્વત
નજીક આવતાં વિમાન અટકી થયા. ત્યારે રાજા વૈરાગ્ય પામે છે કે અરે,
દેહધારણ કરવામાં કેવી પરાધીનતા છે! આ ભવભ્રમણની જેલથી હવે બસ
થાઓ. આ માનુષોત્તરપર્વત નંદીશ્વર જતાં ભલે રોકે પણ સિદ્ધલોકમાં જતાં
તે નહિ અટકાવી શકે...માટે એવો ઉપાય કરું કે આત્મા સિદ્ધપદ પામે!–
આમ સંસારથી વિરક્ત થઈને શ્રીકંઠરાજા મુનિ થયા.