માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
અતીન્દ્રિય સુખની
આનંદકારી વાત
પ્રવચનસારના પ્રવચનમાંથી (ગા. ૬૪) ‘કારતક સુદ તેરસ’
મોક્ષસુખની મજાની વાત
મોક્ષસુખની મજાની વાત સાંભળતાં મુમુક્ષુને સહેજે ઉલ્લાસ આવે છે: આ
સંબંધમાં ઉમરાળાનગરીના ઉજમબા–સ્વાધ્યાયગૃહમાં દીવાલ પર લખ્યું છે કે
“જ્ઞાનીના શ્રીમુખથી આત્માના અતીન્દ્રિયસ્વભાવસુખની વાર્તા સાંભળતાં જેના
અંતરમાં ઉલ્લાસ આવે છે તે મુમુક્ષુજીવ જરૂર મોક્ષ પામે છે.” આવા મોક્ષસુખની
અદ્ભુત વાત બેહજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્યદેવ આ ભરતક્ષેત્રમાં સંભળાવતા
હતા, એ જ વાત ગુરુદેવ આજે આપણને સંભળાવે છે....આવો, આનંદથી એનો
સ્વાદ ચાખીએ.
અતીન્દ્રિય સુખનો પરમ મહિમા બતાવીને આચાર્યદેવે કહ્યું કે અહો, આત્માનું
આવું જે પરમ સુખ, તેની શ્રદ્ધા કરનાર સમ્યગ્દ્રષ્ટિ છે, આસન્નભવ્ય છે; પોતામાં એવા
ઈન્દ્રિયાતીત સુખનો સ્વાદ જેણે ચાખ્યો છે તે જ સર્વજ્ઞના અતીન્દ્રિય–પૂર્ણસુખની
પરમાર્થ શ્રદ્ધા કરી શકે છે. આવા સુખની જેને ખબર નથી ને ઈન્દ્રિયવિષયોમાં જ
સુખની લાલસા કરી રહ્યા છે તે જીવો આસન્નભવ્ય નથી; તે તો વિષયોમાં આકુળવ્યાકુળ
વર્તતા થકા દુઃખમાં તરફડે છે.
અતીન્દ્રિય આત્માને જાણનારું પ્રત્યક્ષજ્ઞાન તો તેમને નથી, એકાન્ત પરોક્ષબુદ્ધિ
વડે ઈન્દ્રિયો જ તેમને મૈત્રી વર્તે છે; મહા મોહના અતિશય દુઃખને લીધે તે જીવો વેગથી
બાહ્યવિષયોને રમ્ય માનીને તે તરફ ઝંપલાવે છે, પણ તેમાં સાચા સુખની ગંધ પણ
મળતી નથી, એટલે તે જીવો એકાંત દુઃખી જ છે.