: ૨ : આત્મધર્મ માગશર : ૨૪૯પ
દરેક આત્મા
જ્ઞાનસ્વરૂપ છે
(સમયસાર ગાથા. ૧૭–૧૮ ના પ્રવચનમાંથી)
જ્ઞાનસ્વરૂપ આત્માની સેવા વડે મોક્ષમાર્ગ થાય છે. દરેક
આત્મા જ્ઞાનસ્વરૂપ હોવા છતાં તે પોતે પોતાને જ્ઞાનસ્વરૂપે કેમ નથી
સેવતો? ને જ્ઞાનસ્વરૂપે પોતાને કઈ રીતે સેવવો? તે બંને વાત અહીં
આચાર્યદેવે સમજાવી છે.
ભાઈ, કોઈ પણ પદાર્થને જાણતાં તારું જ્ઞાન તો ભેગું જ છે,
જ્ઞાનની જ હયાતીમાં તે પદાર્થો જાણી શકાય છે માટે જ્ઞાન જ મુખ્ય
છે.–એવા જ્ઞાનને તું લક્ષમાં લે; જ્ઞેયો સાથે મિશ્ર કર્યા વગરનું જે
એકલું જ્ઞાન, તે ‘શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જ હું છું’ એમ અનુભવમાં લે તો
મોક્ષમાર્ગ પ્રગટશે ને તારા સાધ્યની સિદ્ધિ થશે.
આવો સિદ્ધિમાર્ગ બધાયને સમજાય તેવી સુગમ રીતે અહીં
સન્તોએ પ્રસિદ્ધ કર્યો છે.
દરેક જીવને પોતાની જ્ઞાનદશા અનુભવમાં આવે જ છે; અજ્ઞાનથી તે રાગદ્વેષાદિ
પરભાવોના સ્વાદને સાથે ભેળવીને અનુભવે છે, પણ તેમાં પરભાવોથી ભિન્ન જ્ઞાનપણે
પોતાનો જે સ્વાદ છે તેને જો ઓળખે તો જ્ઞાનમાત્ર આત્માનું જ્ઞાન થાય, અર્થાત્
આત્મજ્ઞાન થાય, ને એવા જ્ઞાનપૂર્વક આત્માનું સાચું શ્રદ્ધાન થાય. આ રીતે
જ્ઞાનસ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાન થાય તો જ જીવ પોતાના સ્વરૂપમાં ઠરી શકે, ને તો જ
મોક્ષની સિદ્ધિ થાય.