: ૬ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
પર્યાય અંતરમાં જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકીને તન્મય થવાને બદલે રાગાદિ
પરભાવોના જ વેદનમાં તન્મયપણે વર્તે તો તે પર્યાય સ્વયં વિકારરૂપ–અજ્ઞાનરૂપ છે,
તેમાં જ્ઞાનસેવનની ક્રિયા નથી પણ અજ્ઞાનનું સેવન છે. જ્ઞાનનું સેવન તો ત્યારે જ થાય
કે જ્યારે જ્ઞાનીનો યથાર્થ ઉપદેશ પામીને જીવ પુરુષાર્થવડે પ્રતિબુદ્ધ થાય, ને રાગથી
અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપે જ પોતાને જાણીને અનુભવ કરે. આવો અનુભવ તે જ્ઞાનની
ક્રિયા છે, તે મોક્ષમાર્ગ છે, તે અપૂર્વ જ્ઞાનક્રિયા નવી પ્રગટે છે. જ્યારે પર્યાયમાં આવો
જ્ઞાનભાવ પ્રગટ્યો ત્યારે જ ‘મારા દ્રવ્ય–ગુણ પણ આવા જ્ઞાનસ્વરૂપ જ છે’ એમ ખરી
ઓળખાણ થઈ. દ્રવ્ય–ગુણ શુદ્ધ છે–એમ ઓળખે ત્યાં પર્યાય પણ તેમાં તદ્રૂપ થઈને શુદ્ધ
થાય જ. અંતરમાં તદ્રૂપ થઈને પર્યાયમાં શુદ્ધતા થયા વગર દ્રવ્ય–ગુણની શુદ્ધતાને
ઓળખી કોણે? ઓળખવારૂપ કામ તો પર્યાયમાં થાય છે. આ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણે એકરૂપ થઈને શુદ્ધ જ્ઞાનભાવરૂપે પરિણમ્યા ત્યારે આત્મા ‘શુદ્ધ’ થયો, ત્યારે
જ્ઞાનની સેવા થઈ, ત્યારે જ જ્ઞાનીની પરમાર્થ ઉપાસના થઈ, ત્યારે ધર્મની ક્રિયા થઈ, ને
મોક્ષમાર્ગ થયો. આ રીતે જ્ઞાનની સેવા વડે શુદ્ધઆત્માની સિદ્ધિ થાય છે.
સિંહનો માર્ગ
સિંહ જે માર્ગે ચાલ્યો, તેની રજ ઊડીને ઘાસને ચોંટી, તે
ઘાસ ઊભું ઊભું સુકાઈ જશે પણ હરણિયાં તેને ચરશે
નહિ....સિંહની ગંધ પાસે હરણિયાં આવી ન શકે.....
તેમ દિવ્યધ્વનિરૂપી સિંહનાદમાં ચૈતન્યનો જે સ્વભાવ
આવ્યો, તે સ્વભાવનો જેને સ્પર્શ થયો તે જીવની પરિણતિમાં
આઠ કર્મરૂપી હરણિયાં નહિ આવી શકે....તેની પરિણતિ
ચૈતન્યને સ્પર્શીને એવી વીતરાગ થશે કે તેની ગંધથી પણ આઠ
કર્મરૂપી હરણિયાં દૂર ભાગશે.
આવો છે ભગવાન વીરનો સિંહમાર્ગ!
(જ્યાં આત્મા જાગે ત્યાં કર્મો ભાગે.)