ખજવાળતા–ખજવાળતા આગળ ચાલ્યા ગયા, ને દરવાજો તો પાછળ રહી ગયો. આમ
શિવનગરીમાં પ્રવેશવાનો અવસર ચૂકીને પાછો ચકરાવામાં પડ્યો. તેમ આ ચોરાસીના
ચકરાવામાં માંડ મનુષ્યઅવતાર મળ્યો, મોક્ષનગરીમાં પ્રવેશવાનો અવસર આવ્યો, ને
મોક્ષનો દરવાજો દેખાડનારા સંત મળ્યા; તેમણે કરુણા કરીને માર્ગ દેખાડયો કે અંદરના
ચૈતન્યમય આત્માને સ્પર્શીને ચાલ્યો જા...એટલે મોક્ષનગરીમાં પ્રવેશવાનો
‘રત્નત્રયદરવાજો’ આવશે. હવે એને બદલે અંધમનુષ્યની જેમ જે અજ્ઞાની જીવ રાગમાં
ને દેહની ક્રિયામાં ધર્મ માનીને તેની સંભાળમાં (–દેહબુદ્ધિમાં) રોકાય છે, ને ચૈતન્યને
ઓળખવાની દરકાર કરતો નથી, તે મોક્ષનગરીમાં પ્રવેશવાનો આ અવસર ચુકી જશે ને
પાછો ચોરાસીના ચક્કરમાં પડીને ચારગતિમાં રખડશે. માટે હે જીવ! તે અંધની જેમ તું
આ અવસર ચુકીશ મા. દેહની કે માન–મોટાઈની દરકાર મુકીને આત્માના હિતની
સંભાળ કરજે. અનંતવાર ગાજર–મૂળામાં મફતના ભાવે વેચાણો ત્યાં કોનાં માન
કરવા? એકેન્દ્રિયના અવતારમાં ગાજર કે મૂળામાં અવતર્યો હોય, ને બજારમાં
શાકવાળાને ત્યાં તે ગાજર–મૂળાના ઢગલામાં પડ્યો હોય. શાક લેનારની સાથેનો નાનો
છોકરો શાક સાથે ગાજર કે મૂળો મફત માંગે ને શાકવાળો તે આપે; ત્યારે તેમાં
વનસ્પતિકાયપણે જીવ બેઠો હોય તે પણ મૂળાની સાથે મફતમાં જાય.–એ રીતે મફતના
ભાવે અનંતવાર વેંચાયો. અને અત્યારે મનુષ્ય થઈને તું મફતનો માન–અપમાનમાં
જીવન કેમ ગુમાવે છે! ભાઈ, અલ્પકાળનો આ મનુષ્ય–અવતાર, તેમાં આત્મહિત માટે
શું કરવાનું છે તેની દરકાર કર.
બેઈન્દ્રિયપણું મળવું તે પણ ચિન્તામણિ પામવા જેવું દુર્લભ છે. ક્યારેક વિશુદ્ધ
પરિણામના બળથી જીવ એકેન્દ્રિયમાંથી નીકળીને ત્રસમાં આવે છે. અરે, ઈયળ અને
કીડી થવું પણ જ્યાં દુર્લભ ત્યાં મનુષ્યપણાની દુર્લભતાની તો શી વાત? ભાઈ! તું
તો મનુષ્યપણા સુધી આવ્યો છો, તો ભવભીરુ થઈને હવે એવો ઉપાય કર કે આત્મા
ચારગતિમાં દુઃખથી છૂટે.