: પોષ : ૨૪૯પ આત્મધર્મ : પ :
તેની જાત જુદી છે. જેમ મીઠું ઓગળીને ખારા પાણીરૂપે થાય છે, તેમ ઉપયોગ
ઓગળીને કદી રાગરૂપ કે જડરૂપ થઈ જતો નથી. ઉપયોગ તો સદાય ઉપયોગરૂપે જ રહે
છે.
પ્રવાહીપણાને અને ખારાપણાને વિરોધ નથી, બંને એકપણે સાથે રહી શકે છે,
પણ તેની જેમ ઉપયોગ અને જડ બંને સાથે એકપણે રહી શકતા નથી, તેમને તો
એકપણે રહેવામાં વિરોધ છે. આત્મા તો ઉપયોગરૂપ છે, ને શરીર રાગાદિ તો
અનુપયોગરૂપ છે, આત્માનો ઉપયોગ ઓગળીને કદી જડ કે રાગ સાથે તન્મય થાય
નહિ. માટે પુદ્ગલને અને જીવને એકપણે અનુભવવો તે મિથ્યા છે. જડ ને ચેતન કદી
પણ એક થઈ શકે નહિ, તેથી તું સર્વપ્રકારે પ્રસન્ન થા; ચિત્તને ઊજળું કરીને
સાવધાનપણે સ્વદ્રવ્યને પોતાપણે અનુભવમાં લે. આવું ભેદજ્ઞાન કરતાવેંત આત્મા
આનંદરૂપ–પ્રસન્નરૂપ થશે. દેહબુદ્ધિમાં દુઃખ છે; દેહથી ભિન્ન ઉપયોગસ્વરૂપ હું છું–એવી
આત્મબુદ્ધિમાં સુખ છે.
અરે, દેહ ને જીવ સદાય પોતપોતાના લક્ષણે જુદા જ છે; જુદા છે તેને જુદા
જાણતો નથી ને એક માને છે; એક માને તોપણ તે બંનેને એકપણું કદી થઈ ગયું નથી.
ભાઈ! જુદા છે તેને જુદા જાણ–તો તને તારા સ્વદ્રવ્યની પ્રાપ્તિથી આનંદ થશે–પ્રસન્નતા
થશે.
જગતમાં ચેતન ને જડ ભલે એક સાથે હોય, પણ તે બંને એક થઈ જતા નથી,
પોતપોતાનું સ્વરૂપ છોડતા નથી; પોતપોતાના સ્વરૂપે જ રહ્યા છે. એક કાળે કે એક ક્ષેત્રે
ભલે હો, પણ સ્વરૂપે એક નથી. નિજનિજલક્ષણે બંને જુદેજુદાં જ રહ્યાં છે, તારો ભાગ
જુદો, ને જડનો ભાગ જુદો; ઉપયોગ તે તારો ભાગ છે, ને જડ તે પુદ્ગલનો ભાગ છે.–
એમ તારો ભાગ જુદો લઈને તું ખુશી થા! તારો ભાગ કોઈ લૂંટી ગયું નથી, એવો ને
એવો જુદો જ તારો ભાગ છે. પુદ્ગલના ભાગનો ધણી થવા જઈશ તો દુઃખી થઈશ.
એનાથી ભિન્ન ઉપયોગરૂપ તારો ભાગ છે તેને જ અનુભવમાં લે. તેના અનુભવથી તને
આનંદ થશે.
જડ વડે તારું અસ્તિત્વ જરાય દુભાયું નથી, દબાયું નથી, જડથી જુદું એવું ને
એવું તારું અસ્તિત્વ અનાદિથી છે; માટે ઉલ્લસિત થઈને તારા સ્વદ્રવ્યને દેખ. પુદ્ગલ કે
રાગાદિ તારા ઉપયોગસ્વરૂપમાં ઘૂસી ગયા નથી, બહાર જ રહ્યા છે, માટે આવા
ઉપયોગસ્વરૂપને અનુભવમાં લઈને આનંદિત થા. જેમ ઘણા કાળથી ખોવાઈ ગયેલી
વસ્તુ ઘરમાં જડે ને આનંદિત થાય, તેમ અનાદિથી ભૂલાયેલો, જડ સાથે એકત્વબુદ્ધિથી
ખોવાયેલો, તારો આત્મા તને તારામાં જડથી જુદો બતાવ્યો, તો હવે એવી ને એવી
તારી સ્વવસ્તુને પામીને તું આનંદિત થા.