વગર જ ચૈતન્યપ્રાણથી જીવે છે. માટે રાગ અને જ્ઞાન એક વસ્તુ નથી; તેથી રાગનું કાર્ય
જ્ઞાનમાં નથી; જ્ઞાન રાગનું કર્તા નથી.
તારા ચૈતન્યસ્વરૂપને ભૂલીને, પરના કર્તૃત્વની મિથ્યાબુદ્ધિથી તું અનંતકાળ દુઃખી
થયો, તેનાથી હવે છૂટવા માટે આ તારા સાચા સ્વરૂપની વાત છે. આ પોતાનું
સ્વરૂપ છે–એટલે સૂઝ ન પડે એવું નથી. અભ્યાસ ન હોય એટલે અઘરું લાગે પણ
રુચિપૂર્વક પ્રયત્ન કરતાં બધી સૂઝ પડે તેવું છે. પોતાનું સ્વરૂપ પોતાને કેમ ન
સમજાય?
દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ આવો છે જ, ને તેનું ભાન થતાં જે શુદ્ધ જ્ઞાનપર્યાય
પ્રગટીને આત્મા સાથે અભેદ થઈ તે પર્યાયમાં પણ રાગાદિનું કર્તા–ભોક્તાપણું નથી.
રાગની શુભવૃત્તિ ઊઠે તેનું કર્તાભોક્તાપણું જ્ઞાનીના જ્ઞાનમાં નથી, કેમકે તે
શુભવૃત્તિ સાથે તેનું જ્ઞાન એકમેક થતું નથી પણ જુદું જ પરિણમે છે, અરે, રાગ તો
જ્ઞાનથી વિરુદ્ધ ભાવ છે, રાગમાં તો આકુળતારૂપ અગ્નિ છે, તે જ્ઞાન તો શાંતરસમાં
તરબોળ છે; જ્ઞાનથી વિરુદ્ધ એવા રાગવડે મોક્ષમાર્ગ થવાનું માનવું તે તો દુશ્મન વડે
લાભ માનવા જેવું છે. ભાઈ, રાગમાં જ્ઞાન કદી તન્મય થતું નથી, તો તે જ્ઞાન
રાગનું સાધન કેમ થાય? ને રાગને તે પોતાનું સાધન કેમ બનાવે? અહો,
અરિહંતોનો અપૂર્વ માર્ગ છે, તેમાં રાગની અપેક્ષા જ ક્યાં છે? એકલા
અંતરસ્વભાવનો માર્ગ...બીજા બધાયથી નિરપેક્ષ છે.