રાગાદિનું કર્તાભોક્તાપણું તેના અનુભવમાં કેવું? ઠંડી બરફની પાટ જેવી જે શીતળ
ચૈતન્યશિલા, તેમાંથી રાગાદિ વિકલ્પોરૂપી અગ્નિ કેમ નીકળે? જેમાં જે તન્મય હોય
તેને જ તે કરી કે ભોગવી શકે. પણ જેનાથી જે ભિન્ન હોય તે તેને કરી કે વેદી શકે
નહિ. જ્ઞાન સિવાય બીજા ભાવને કરે કે વેદે તે સાચો આત્મા નહિ, રાગાદિ
પરભાવોનું કર્તૃત્વ દેખનારને સાચો આત્મા દેખાતો નથી. દ્રવ્યસ્વભાવમાં રાગ–
દ્વેષાદિ નથી એટલે તે સ્વભાવને જોનારી જ્ઞાનદ્રષ્ટિમાં પણ રાગદ્વેષનું–
કર્તાભોક્તાપણું નથી. રાગદ્વેષની ઉત્પત્તિ જ્ઞાનમાંથી થતી નથી. રાગ અને જ્ઞાન
ત્રિકાળ ભિન્ન છે–આવું અપૂર્વ ભેદજ્ઞાન તે આનંદથી ભરેલું છે ને તે જન્મ–મરણના
અંતનો ઉપાય છે.
આચાર્યદેવે કહ્યું કે આત્મા જ્યાંસુધી રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન કરતો નથી, ને
અજ્ઞાનભાવથી કર્મ તથા કર્મફળના કર્તા–ભોક્તાપણામાં લીન વર્તે છે ત્યાંસુધી તે
મિથ્યાદ્રષ્ટિ–સંસારી છે. અને જ્યારે ભેદજ્ઞાન કરીને જ્ઞાયક–દર્શકભાવરૂપે પરિણમે
છે, ત્યારે તે ‘મુક્ત’ છે, તે કર્મને કે તેના ફળને કરતો–ભોગવતો નથી; કર્મચેતના
કે કર્મફળચેતના એ બંનેથી રહિત એવી પોતાની જ્ઞાનચેતનારૂપે પરિણમે છે.
જ્ઞાનચેતના કહો કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કહો, તે–રૂપે જે જીવ પરિણમ્યો તે
મુક્ત જ છે. પરભાવોનું કર્તા–ભોક્તાપણું અજ્ઞાનમાં હતું, જ્ઞાનમાં તેનો અભાવ
છે. આચાર્યદેવ કહે છે કે–આમ જાણીને હે જીવો! હે આત્મબુદ્ધિવાળા પ્રવીણ
પુરુષો! તમે અજ્ઞાનીપણાને છોડો, ને શુદ્ધ એક આત્મામય જ્ઞાનતેજમાં નિશ્ચલ
થઈને જ્ઞાનીપણાને સેવો.