: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
અહો, પોતાનું જ્ઞાનચક્ષુ કેવું છે એની પણ જીવને ખબર નથી. ભાઈ, પરવસ્તુ તો
તારા જ્ઞાનથી બહાર છે, એને કાંઈ જ્ઞાન ન મેળવે. જેમ આંખ કાંઈ બહારના પદાર્થોને
દેખતાં તેમને પોતામાં ઘૂસાડી દેતી નથી, તેમ બહારના જ્ઞેય પદાર્થોને જાણનારું જ્ઞાન
કાંઈ તે પદાર્થોને પોતામાં ઘૂસાડી દેતું નથી. પદાર્થો જ્ઞાનમાં પ્રવેશતા નથી, જ્ઞાનથી
બહાર જુદા જ રહે છે. જ્ઞાનના અનુભવમાં તો આનંદ વગેરે પોતાના અનંત ગુણનો રસ
સમાય છે. પણ પરદ્રવ્યો કે રાગ તેમાં સમાતા નથી. ભગવાન આત્માનું આવું
જ્ઞાનસ્વરૂપ આ ગાથામાં સમજાવ્યું છે.
જેમ આંખ છે તો શરીરની શોભા છે, તેમ ભગવાન આત્માની શોભા ચૈતન્ય–
આંખ વડે છે; ચૈતન્યચક્ષુ તે જ આત્માની આંખ છે. તે આંખ વડે આત્મા કદી રાગાદિને
કરતો–ભોગવતો નથી. કર્મને બાંધવા–છોડવાનો તેનો સ્વભાવ નથી. આવી શુદ્ધ
જ્ઞાનપર્યાયરૂપે પરિણમેલો સમ્યગ્દ્રષ્ટિ આત્મા (ભલે ચોથા ગુણસ્થાને હોય તોપણ)
રાગાદિનો કે દેહ–મન–વાણીની કોઈ ક્રિયાનો કર્તા નથી. આત્મા તો પોતાની જ્ઞાનચેતના
સાથે અભેદ થઈને પરિણમ્યો ત્યાં કર્મચેતનાનું કર્તૃત્વ ક્યાં રહે? સમ્યગ્દ્રષ્ટિ
જ્ઞાનચેતનારૂપે જ પરિણમે છે. રાગાદિને જાણે ભલે, પણ તે રૂપે થઈને–તન્મય થઈને
પરિણમતા નથી. અને તન્મય થતા નથી માટે તેના કર્તા–ભોક્તા નથી. આવી
જ્ઞાનચેતનારૂપ ચક્ષુ વડે જીવ શોભે છે.
(‘જ્ઞાનચક્ષુ’ પુસ્તકમાંથી
એક પ્રકરણ: પુસ્તક છપાય છે.)
સિનેમા જોનારને...
અરે ભાઈ! ચૈતન્યભગવાનને જોવાનો અવસર
મુકીને તું ફિલમ જોવામાં ક્યાં વળગ્યો? એમાં તો પાપનાં
નાચ–નખરાં છે; ને આ ચૈતન્યની નિર્મળ પર્યાયનું નાટક
(પરિણમન) તો કોઈ અલૌકિક શાંતિ ને આનંદ દેનારું
છે. લૌકિક ફિલમ એ તો પૈસા આપીને પાપ લેવાજેવું છે.
તારા આત્મામાં અંદર અનંત ગુણનું સીનેમા (દ્રશ્ય) કેવું
છે તે તો જો. ભગવાન આત્માને ટગ ટગ જોવાનો આ
અવસર છે.
(પ્રવચનમાંથી)