: ૩૨ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
(૯) કષાય અને મનની ચંચળવૃત્તિને છોડીને, આનંદરસથી ભરેલા
નિજસ્વરૂપને તું ધ્યાવ!–જેથી દુઃખદાયી કર્મો ઝરી જાય અને કેવળજ્ઞાન–પ્રકાશ પ્રગટે.
(નિર્જરાભાવના)
(૧૦) લોકમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં તારો જન્મ ન થયો હોય. તું આ
જન્મભૂમિમાં મોહિત થઈને કેમ રાચે છે? સમ્યક્ ઉપાય વડે એમાંથી નીકળ, (અર્થાત્
નિકલ–અશરીરી એવા સિદ્ધપદમાં ચાલ) તો તું કર્મબંધનથી છૂટીશ. (લોકભાવના)
(૧૧) હે જીવ! સર્વે વ્યવહારક્રિયાઓનું જ્ઞાન તો તેં અનંતવાર કર્યું, પરંતુ
જેનાથી કલ્યાણ થાય છે એવા નિજસ્વરૂપનું જ્ઞાન અત્યંત દુર્લભ છે. (એવું જ્ઞાન પ્રગટ
કર.) (દુર્લભબોધિભાવના)
(૧૨) સ્વાભાવિક ધર્મ નિજસ્વરૂપનું શ્રદ્ધાન છે; પરંતુ બાહ્યશીલ, સ્નાન કે
દાનાદિ તે ધર્મ નથી. હે બુધજન! શ્રીગુરુના આવા ઉપદેશનો તમે વિચાર કરો અને
નિજસ્વરૂપનો નિર્ણય કરીને આત્મધર્મને ગ્રહણ કરો. (ધર્મ
ભાવના)
મુમુક્ષુની પાત્રતા
દયા શાંતિ સમતા ક્ષમા,
સત્ય ત્યાગ વૈરાગ્ય.
હોય મુમુક્ષુ ઘટ વિષે,
એહ સદાય સુજાગ્ય. (આત્મસિદ્ધિ)
જે જીવ મુમુક્ષુ છે તેના અંતરમાં સદાય દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ અને
વૈરાગ્યાદિ ભાવો હોય છે. જે જીવ મુમુક્ષુ છે–જે શુભ રાગને પણ તોડીને
પરમવીતરાગભાવરૂપ મોક્ષને ઈચ્છે છે–તેને ક્રોધ કેમ ગમે? તેને અશાંતિ કે અસત્ય કેમ
ગમે? જ્યાં વારંવાર અંતરમાં ચૈતન્યના અનુભવ માટેની ભાવનાઓ ઘૂંટાય છે ત્યાં
વિષય–કષાયના પરિણામો એકદમ શાંત થઈ જાય છે. ક્રોધમાં અસત્યમાં વિષયોમાં જેના
પરિણામ લવલીન રહેતા હોય તેનામાં મુમુક્ષુતા ક્યાંથી જાગે?
અહા, મુ.....મુ.....ક્ષુ એટલે તો મોક્ષનો પથિક! એના પરિણામોનો ઝુકાવ સંસાર
તરફ ન હોય, સંસારથી વિમુખ થઈને ચિદાનંદસ્વરૂપને જ તે વારંવાર ભાવે છે. ને એવી
ઉત્તમ ભાવના પાસે અશુભપરિણામ બિચારા કેમ ટકી શકે? ત્યાં તો પરિણામોમાં
વૈરાગ્ય–કોમળતા વગેરે પાત્રતા સહેજે હોય છે.