: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૯ :
ગુજરાતના પાટનગરમાં
જૈનધર્મના જયજયકાર
અમદાવાદ શહેર.....ગુજરાતનું પાટનગર... જ્યાં ૧૬ લાખની વસ્તીમાં સવાલાખ
જેટલા જૈનો હોવાનો અંદાજ છે, કદાચ ભારતભરમાં જૈનોની સૌથી વધુ વસ્તી આ
શહેરમાં હશે. એવું આ શહેર આ માસમાં વિશેષપણે શોભી ઊઠ્યું. ખાડીયા વિસ્તારમાં દિ.
જૈનમુમુક્ષુ મંડળ દ્વારા બંધાયેલા અતિ વિશાળ, ભવ્ય, પ૬ ફૂટ જેટલા ઉન્નત અને
શિખરબંધી જિનમંદિર દ્વારા નગરી પ્રફૂલ્લિત બની. તે જિનાલયમાં મૂળનાયક શ્રી
પારસનાથ ભગવાન છે; તે ઉપરાંત ભવ્ય કમલ ઉપર બિરાજમાન શ્રી આદિનાથ
ભગવાનના પ્રતિમાજી બે ટન (૧૧૨ મણ જેટલા) વજનના, સાડા પાંચ ફૂટ ઊંચા અને
સવાતેર હજાર રૂા. ની લાગતથી તૈયાર થયેલા છે. પ્રતિમાજીની ચૈતન્યરસભીની મુદ્રા
અત્યંત વીતરાગતા પ્રેરક છે,–ગુજરાતભરમાં જેમ અમદાવાદ સૌથી મોટું છે તેમ આ
પ્રતિમાજી પણ સૌથી મહાન છે. આવા પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ માહ
વદ ૧૩ થી ફાગણ સુદ પાંચમ સુધી ઊજવાયો...અમદાવાદ નગરી જૈનધર્મના પ્રભાવથી
ગાજી ઊઠી...દેશભરમાંથી અનેક મુમુક્ષુઓએ ઉત્સવ નીહાળવા આવી પહોંચ્યા. અત્યંત
ટૂંકા સમયમાં પણ અમદાવાદના મુમુક્ષુઓએ ઉત્સવની ભવ્ય તૈયારીઓ કરી. રાતદિન
સૌને લગની હતી–પ્રભુજીને આંગણે પધરાવવાની.
એક તરફ ગુરુદેવ સવાર–બપોર અંતરના ચૈતન્યપરમાત્માનું સ્વરૂપ સમજાવતા
હતા, તો બીજી તરફ એવા પરમાત્માની પધરામણીનો ભવ્ય ઉત્સવ ચાલતો હતો.
ઉત્સવની મંગલ વિધિનો પ્રારંભ થયો–માહ વદ તેરસે.
માહ વદ તેરસની સવારમાં મંગલ મંત્રજાપનો પ્રારંભ થયો અને જિનમંદિરેથી ભવ્ય
સરઘસપૂર્વક જિનેન્દ્રભગવાનને પ્રતિષ્ઠા–મંડપમાં–‘પારસનગર’ માં પધરાવીને વેદીમાં
બિરાજમાન કર્યા. સારંગપુર દરવાજા પાસેના મેદાનમાં પારસનગરની ભવ્યરચના થઈ હતી.
એના આંગણે બે હાથી ઝુલતા હતા. સુસજ્જિત વિશાળ મંડપની શોભા અનેરી હતી. રાત્રે તો
ઝગઝગતા પ્રકાશમાં તે ઓર દીપી ઊઠતો. અને તેમાં જ્યારે જિનેન્દ્ર ભગવાન પધાર્યા ત્યારે
તો સમવસરણનું સ્મરણ થઈ આવે એવી શોભા હતી. અને એ શોભાની વચ્ચે બેસીને હજારો
શ્રોતાજનો ગુરુદેવના શ્રીમુખથી આત્માની પ્રભુતા સાંભળવા મશગુલ બનતા.
પ્રવચન પછી તરત પારસનગરના પ્રાંગણમાં શેઠશ્રી પુનમચંદ મલુકચંદના હસ્તે
જૈનઝંડારોપણ થયું...અને પ્રતિષ્ઠામંડપમાં શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોનું પૂજન શરૂ