Atmadharma magazine - Ank 306
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 44

background image
: ૨૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
ઉદયભાવો તેનાથી બહાર છે. જેટલું શુદ્ધપરિણમન થયું તેમાં તો રાગ છે જ નહિ. તે કાળે
જે રાગ હોય તે શુદ્ધજ્ઞાનથી જુદાપણે છે, એકપણે નહીં. ચોથા ગુણસ્થાને પણ શુદ્ધાત્માને
અવલંબીને સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સ્વરૂપાચરણ થયું છે તે તો રાગરહિત જ છે.
‘ત્યાં રાગ છે તો ખરો?’
–તે કાળે રાગ હો તેથી શું? આખી દુનિયા છે, પણ તેનાથી જ્ઞાન જુદું છે, જ્ઞાન તેને
કરતું નથી. તેમ રાગનેય જ્ઞાન કરતું નથી, ભોગવતું નથી, જાણે જ છે. માટે સમ્યગ્દ્રષ્ટિના
સમ્યક્ત્વાદિ જે નિર્મળભાવો છે તે તો રાગથી મુક્ત જ છે, જુદા જ છે. આત્મા પરથી તો
જુદો હતો જ, ને સ્વસન્મુખ પરિણતિ થતાં તે રાગથી પણ જુદો થયો. રાગ રાગમાં છે પણ
રાગ જ્ઞાનમાં નથી, કેમ કે જ્ઞાને રાગને પકડયો નથી; જ્ઞાનમાં રાગ જણાતાં ‘આ રાગ હું’
એવું વેદન જ્ઞાનમાં નથી થતું, ‘હું જ્ઞાન છું’ એમ જ્ઞાન તો પોતાને જ્ઞાનપણે જ વેદે છે.
આવા જ્ઞાનવેદનની સાથે આનંદ છે, પણ રાગ તેમાં નથી.
અરે જીવ! મોક્ષના કારણરૂપ તારી નિર્મળપર્યાય કેવી હોય તેને ઓળખ તો ખરો!
તારી મોક્ષસંપદાને ઓળખીશ તો તેવી દશા પ્રગટ થશે. મોક્ષના કારણરૂપ તે પર્યાય
પરભાવોથી તો શૂન્ય છે, ને પોતાના શુદ્ધસ્વભાવને જ અવલંબનારી છે. અંતરમાં ઝુકેલી તે
પર્યાય જગતના પદાર્થોથી જુદી, દેહથી જુદી, વચનથી જુદી, કર્મોથી જુદી, ને રાગાદિ
ભાવકર્મોથી પણ જુદી છે; પણ તે જ્ઞાનથી ભરપૂર, શ્રદ્ધાથી ભરપૂર, એમ અનંત
નિજભાવોથી ભરપૂર છે. સમ્યગ્દ્રષ્ટિની સંપદા કોઈ અનેરી છે. એની ચૈતન્યસંપદા પાસે
જગતની કોઈ સંપદાની કિંમત નથી. જગતની જડસંપદાઓને ધર્માત્મા પોતાની માનતા
નથી. નિજસંપદાથી ભરપૂર જે ચૈતન્યસ્વભાવ, તેના આશ્રયે પર્યાયમાં રત્નત્રયાદિ
નિર્મળસંપદા પ્રગટે છે, ને તેના વડે સિદ્ધપદ પમાય છે. આ સિવાય પુણ્યની સંપદા વડે
સિદ્ધપદ પામી શકાતું નથી.
* સમયસારની ગાથા ૩૨૦ ઉપરનાં પ્રવચનોનું પુસ્તક રાજકોટમાં
પૂ. ગુરુદેવની મંગલ છત્રછાયામાં પ્રકાશિત થશે; એનું નામ છે ‘જ્ઞાનચક્ષુ’
આત્મધર્મના ગ્રાહકોને તે શ્રી મોહનલાલ કાનજીભાઈ ઘીયા તરફથી ભેટ મળવાનું છે.
*“વીતરાગવિજ્ઞાન” પુસ્તક કુપનવાળા ગ્રાહકોને ભેટ આપવાનું હજી ચાલુ
જ છે; તો તે મેળવી લેશોજી.