: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
ભગવાન મહાવીર......તેમનો વીરમાર્ગ
(સોનગઢ પરિવર્તનધામમાં ચૈત્ર સુદ તેરસે ગુરુદેવનું પ્રવચન)
આજે ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરના જન્મનો કલ્યાણક દિવસ છે. ઈદ્રો
પણ તેનો ઉત્સવ ઊજવે છે. ભગવાનનો જન્મ ઘણા જીવોને તરવાનું કારણ છે. તેથી તે
કલ્યાણક છે. તે આત્મા પોતે આત્મભાન કરીને ઉન્નતિક્રમમાં ચડતાં ચડતાં પૂર્ણાનંદદશાને
આ ભવમાં પામવાનો છે. પૂર્વભવમાં આત્માનું ભાન કરીને વીરતા પ્રગટ કરી, પણ હજી
પૂર્ણતા થઈ ન હતી ત્યારે ધર્મની પૂર્ણતા પ્રાપ્ત કરવાની ભાવનામાં વચ્ચે વિકલ્પથી
તીર્થંકરનામકર્મ બંધાયું. ચૈતન્યના અતીન્દ્રિયસ્વભાવની કિંમત કરીને અંતરમાં તેનું વેદન
કરતાં કરતાં આ અવતાર થયો છે. પહેલાં સ્વભાવની કિંમત ભૂલીને અજ્ઞાનથી સંયોગની
કિંમત કરતો, પછી ચિદાનંદ સ્વભાવનું ભાન કરીને તેની કિંમત ને મહિમા આવતાં
ભગવાનનો આત્મા તેના વેદન તરફ વળ્યો....અહો, આ ભવમાં ભગવાને આત્માની
સાધના પૂરી કરી. ઈંદ્રો ભગવાનને આજે મેરૂપર્વત ઉપર જન્માભિષેક કરવા લઈ ગયા
હતા. ચૈતન્યવજ્રમાં જેમ વિભાવ ન પ્રવેશે, તેમ ભગવાનનું શરીર પણ વજ્રકાય હતું.
મણિરત્નના મોટા મોટા ઘડા ભરીને પાણી મસ્તક ઉપર ઈંદ્રો રેડે–છતાં ભગવાનને જરાય
આંચ નથી આવતી. અંદરમાં રાગની આંચ નથી આવતી, રાગથી અલિપ્ત રહે છે. અંતરમાં
ચિદાનંદ તત્ત્વને દેહથી પાર ને રાગથી પાર દેખ્યું છે, –એને જોતાં ઈન્દ્ર ને ઈંદ્રાણી પણ
ભક્તિથી નાચી ઊઠે છે. અહા, અનાદિના સંસારનો અંત કરીને ભગવાન હવે આ ભવમાં
સાદિ–અનંત એવી સિદ્ધદશાને સાધશે. રાગ અને સ્વભાવની એકતારૂપ બેડીના બંધન તો
અમે પણ તોડી નાખ્યા છે –એવા ભાનસહિત, જેમ માતા પાસે કે પિતા પાસે બાળક
થનગન નાચે, તેમ ભગવાન પાસે ઈંદ્રો નાચી ઊઠે છે. હજી તો ભગવાન પણ ચોથા
ગુણસ્થાને છે, ને ઈંદ્ર પણ ચોથા ગુણસ્થાને છે છતાં તે ઈંદ્ર ભગવાન પાસે ભક્તિથી નાચી
ઊઠે છે કે અહા! આ ભરતક્ષેત્રની ધન્ય પળ છે; વીરતા પ્રગટ કરીને પોતે તો પૂર્ણ
પરમાત્મા થશે, ને જગતના ઘણા જીવોને પણ ભવથી તરવાનું નિમિત્ત–બનશે. ધન્ય છે
ભગવાનનો અવતાર! એના જન્મની ધન્ય ઘડી, ધન્ય પળ ને ધન્ય દિવસ છે. ભગવાને
અમૃતના સાગરને ઊછાળીને મુનિદશા અને કેવળજ્ઞાન પ્રગટ કર્યું, પછી પાવાપુરીથી
મોક્ષધામ પામ્યા.