: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ :
ફાગણ સુદ ૮–૯ (તા. ૨૪–૨પ, ૨, ૬૯) બે દિવસ તલોદ પધાર્યા. ફાગણ સુદ
દસમે તલોદથી બામણવાડા થઈને મુનાઈ ગામે પધાર્યા.....મુનાઈજતાં વચ્ચે ચારેક
માઈલનો રસ્તો ઘણો વિકટ હતો, પણ મહાપુરુષને આંગણે પધરાવવાની ભાવનાથી
ગામની જનતાએ ઉત્સાહપૂર્વક આખો માર્ગ સરખો કરી નાંખ્યો..... ને એ રસ્તે પસાર
થઈને જ્યારે ગુરુદેવે મુનાઈ ગામમાં પ્રવેશ કર્યો ત્યારે આખા ગામની જનતાએ ખૂબ
ઉમળકાથી સ્વાગત કર્યું. અહીંનું જિનમંદિર સુંદર અને પ્રાચીન છે. પાર્શ્વનાથ વગેરેના
મનોજ્ઞ પ્રતિમા બિરાજે છે. હાલમાં મંદિરની બાજુમાં નવું સ્વાધ્યાયમંદિર બંધાયું છે તેનું
ઉદ્ઘાટન ગુરુદેવની છાયામાં બાબુભાઈના હસ્તે થયું. પ્રવચનમાં ગામની સમસ્ત જનતા
ઉપરાંત આસપાસના ગામોથી પણ મોટી સંખ્યામાં માણસો આવ્યા હતા....ને મોટા મેળા
જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. બાલિકાઓ વડે સ્વાગત ગીત, તથા નગરજનો તરફથી
અભિનંદન પત્ર અર્પણ થયેલ હતું. ભાઈશ્રી મણિલાલભાઈએ હાર્દિક ઉલ્લાસની
લાગણીઓથી નાનકડા ગામડામાં મહાન સન્તોનું સ્વાગત કર્યું હતું. સાંજે મુનાઈથી
ભીલોડા આવ્યા હતા.
ભીલોડા જુનું પ્રાચીન નગર છે. અગાઉના વખતમાં આ નગરીની ધાર્મિક
જાહોજલાલી કેવી મહાન હશે! તેનો ખ્યાલ અહીંના એક અત્યંત ભવ્ય પ્રાચીન દિ.
જિનાલયને જોતાં આવે છે. આ જિનમંદિરનો જીર્ણોદ્ધારા ૪૦૦ વર્ષ પહેલાં થયેલ છે; ને ૮૦૦–
૯૦૦ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન છે. પ્રાચીન પ્રતિમાઓ મનોજ્ઞ છે. વિશાળ જિનાલયને
ફરતી બાવન જેટલી દેરીઓ છે–જેમાં ભગવંતો બિરાજમાન છે. મંદિરના પ્રાંગણમાં સોએક ફૂટ
ઊંચો કારીગરીમય એક ધર્મસ્તંભ છે–જેની અંદરના ભાગમાં ઉપર જવા માટેના પગથિયાં છે.
જિનમંદિરમાં ભરત–બાહુબલીની પ્રાચીન મૂર્તિઓ, તેમજ વીસ વિહરમાન તીર્થંકરોની પ્રાચીન
ચરણપાદૂકા બિરાજમાન છે. થોડા વખત પહેલાં મંદિર નીચેના ભંડકિયામાંથી ચાલીસેક
પ્રાચીન પ્રતિમાઓ નીકળ્યા છે. અષ્ટાહ્નિકાના દિવસોમાં નંદીશ્વરને યાદ કરાવે એવું આ ભવ્ય
જિનાલય જોતાં સૌને આનંદ થયો. આવા ધર્મસ્થાનોમાં ગુરુદેવ સાથે દર્શન–ભક્તિ કરતાં
ભક્તોને ઘણી પ્રસન્નતા થાય છે. કહાનગુરુ સાથેનો પ્રવાસ ને કહાનગુરુ સાથેની યાત્રા એટલે
તો મોક્ષમાર્ગના એક નાયકની સાથેનો મુક્તિપુરીનો પ્રવાસ...તે મુમુક્ષુને મહા આનંદ ઉપજાવે
છે. ભીલોડાના ભવ્ય જિનાલયમાં ગુરુદેવ સાથે દર્શન કરીને પૂ. બેનશ્રીબેને ભાવભીની ભક્તિ
કરાવી....ને સૌેને તીર્થયાત્રા જેવો આનંદ આવ્યો. રાત્રે ભીલોડા રોકાઈને ફાગણ સુદ ૧૧ ની
સવારમાં રણાસણ તરફ પધાર્યાં.