: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૩૫ :
રત્નત્રય જેવા ત્રણ શિખરોથી શોભતું ભવ્ય જિનમંદિર તૈયાર થયું, તેમજ પંચ કલ્યાણક
પ્રતિષ્ઠા–મહોત્સવ ઉજવાયો–એ ગુરુદેવ દ્વારા થતી જૈનશાસનની પ્રભાવનાનો જ પ્રતાપ છે.
આવા નાના ગામમાં મોટું કામ–તે ગુજરાતભરના સાધર્મીઓના સહકારને લીધે, અને
ગુજરાતના બાબુભાઈના અથાગ પ્રયત્નને લીધે સફળ બન્યું છે.
સવાર–બપોરે ગુરુદેવના સુંદર પ્રવચનો થતા હતા–જેમાં નિશ્ચયવ્યવહારની સંધિપૂર્વક
સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ સમજાવતા હતા. સવારે સમયસાર ગા. ૭૩ તથા બપોરે
પદ્મનંદીપચ્ચીસીમાંથી આદિનાથસ્તોત્ર ઉપર પ્રવચનો થતા હતા. ફાગણ સુદ ૧૨ ના રોજ
મૃત્તિકાનયન તથા અંકુરારોપણ થયા હતા. રાત્રે ભક્તિ થઈ હતી. ફા. સુદ ૧૩ સવારે પ્રવચન
પછી યાગમંડલવિધાન મહાપૂજા થઈ હતી. ને સાંજે જલયાત્રા થઈ હતી. રાત્રે ભગવાન
આદિનાથના ગર્ભકલ્યાણકની પૂર્વતૈયારીનાં દ્રશ્યો થયા હતા. શરૂમાં કુમારિકાદેવીઓ દ્વારા
આદિનાથપ્રભુના મંગલાચરણ પછી સર્વાર્થસિદ્ધિવિમાનમાં ઋષભદેવના જીવનું દ્રશ્ય થયું હતું.
ત્યારબાદ સૌધર્મેન્દ્રની સભા, ગર્ભકલ્યાણકની પૂર્વતૈયારીરૂપે અયોધ્યાનગરીની અદ્ભુત
રચના, માતા–પિતાની સેવા, મરુદેવી માતાજીને ૧૬ મંગલસ્વપ્નો વગેરે દ્રશ્યો થયા હતા.
ફા. સુ. બીજી તેરસે–સવારમાં માતાજીના ૧૬ મંગલસ્વપ્નોના ઉત્તમફળરૂપ તીર્થંકરના
અવતરણની આગાહી, ૮ કુમારી દેવીઓ દ્વારા માતાજીની સેવા–સ્તુતિ તેમજ માતાજી સાથે
તત્ત્વચર્ચા વગેરે થયા હતા. બપોરે જિનમંદિર–વેદી–કળશ–ધ્વજ શુદ્ધિ થઈ હતી. રાત્રે ભરત–
બાહુબલીનું ધાર્મિક નાટક ફતેપુર પાઠશાળાની નાની બાળાઓએ કર્યું હતું.
આ ઉત્સવ દરમિયાન હજારો માણસોના આનંદમય કોલાહલથી ગાજતા આદિનાથ
નગરનું વાતાવરણ જોતાં કોઈને એમ ન લાગે કે આ બે હજાર વસ્તીનું નાનકડું ગામડું
છે....આ તો જાણે લાખો–કરોડો માણસોથી ભરેલી અયોધ્યાનગરી હોય–એમ લાગતું હતું.
ચારેકોરથી ગાડાં તેમ જ મોટર–ટ્રક વગેરે ભરીભરીને “જયજયકાર” ને ‘વાહ વા જી
વાહવા’ કરતા ભક્તજનો આવ્યા જ કરતા હતા....ગામડાની જનતા આ આનંદકારી ઉત્સવ
નીહાળવા ચારેબાજુથી આ નગરીમાં ઊભરાણી હતી. મહાત્માઓના પ્રતાપે ‘જંગલમાં
મંગલનું’ નું સાચું દશ્ય અહીં નજરે પડતું હતી. ફાગણના પહેલા અઠવાડિયામાં પાટનગર
અમદાવાદ કે જ્યાં ૧૬ લાખની વસ્તી ને તેમાં સવા લાખ જેટલા જૈનો–ત્યાં પંચકલ્યાણક
ઉત્સવ થયો અને બીજા જ અઠવાડિયે રણાસણ કે જ્યાં બે હજારની વસ્તી ને તેમાં માંડ
એકસો જેટલા જૈનો–ત્યાં પંચકલ્યાણક ઉત્સવ થયો;–બંનેની વસ્તી વચ્ચે હજારગણો ફેર,–
છતાં ઉત્સવ બંનેનો સરખો, એકબીજાની સ્મૃતિ કરાવે તેવો હતો.