Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 48 of 80

background image
: ૪૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
પાસેથી આવેલો સત્યનો પ્રવાહ છે. અહીંના જીવોના ભાગ્યે આ મહા નિધાન આવી
ગયા છે. જે આ નિધાનને ઠુકરાવશે તે પસ્તાશે. મહાભાગ્યે મળેલો આ અવસર ચૂકવા
જેવો નથી. જગતના કોલાહલમાં ન રોકાતાં વીરરસ પ્રગટ કરીને આત્માને સાધી લ્યો.
સં. ૨૦૨૩ માં ફરીને ગુરુદેવનો મંગલવિહાર આવ્યો. પંચકલ્યાણકો,
વેદીપ્રતિષ્ઠાઓ, સમ્મેદશિખરજી વગેરે તીર્થયાત્રાઓ, તેમ જ મહાન આનંદકારી એક
અણધાર્યો પ્રસંગ–એ બધા મંગલકાર્યો માટે ગુરુદેવે પોષ સુદ ૧૨ ના રોજ સોનગઢથી
પ્રસ્થાન કર્યું. ચાલો, આપણે પણ ગુરુદેવની સાથે જઈએ ને મંગલપ્રસંગોનું સાક્ષાત્
અવલોકન કરીને તેનો આનંદ લઈએ:
‘આત્માને સાધવા માટે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે નિજકાર્ય તે મંગળ છે’
–એવા મંગલઉદ્ગારપૂર્વક ગુરુદેવે પ્રસ્થાન કર્યું ને અમરાપુર ગામે પહોંચ્યા; નાનકડા
ગામમાં બ્ર. તારાબેન અને તેમના કુટુંબે સત્સંગનો અનેરો લાભ લીધો. પછી લાઠી
થઈને અમરેલી પધાર્યા; પૂ. શાન્તાબેનનું આ ગામ. અહીં સં. ૧૯૮૬ થી માંડીને
આજસુધીના કેટલાંય જૂનાં સંસ્મરણો ગુરુદેવે યાદ કર્યાં હતાં. ત્યાંથી જસદણ પધાર્યા ને
જિનમંદિરમાં વર્ધમાન જિનેન્દ્રની પ્રતિષ્ઠાનો મહોત્સવ થયો. અહીંનું રાજકુટુંબ પણ
પ્રવચનનો લાભ લેતું હતું.
જસદણ પછી ગુરુદેવ આંકડિયા ગામે પધાર્યા. ‘આત્મધર્મ’ માસિકના
પ્રકાશનનો જ્યાંંથી પ્રારંભ થયેલો એવા આ નાનકડા ગામના નવા જિનમંદિરમાં
પંચકલ્યાણકનો મોટો ઉત્સવ થયો. ઉત્સવમાં આખા ગામની જનતાએ ભાગ લીધો.
ગ્રામ્ય જનતાનો ઉત્સાહ પણ એવો કે કણબીલોકોનાં ટોળેટોળાં ગીત ગાતાં ગાતાં
પ્રવચન સાંભળવા આવતાં હતાં. મંદિરનિર્માણ કરાવનાર સ્વ. શ્રી બાલચંદભાઈના બંધુ
કપુરચંદભાઈ વગેરે તો આ પંચકલ્યાણકનાં દ્રશ્યો પહેલી જ વાર નીહાળીને એવા મુગ્ધ
થઈ ગયા, કે તેમણે કહ્યું–વાહ! આ તો ભારે સરસ; હૃદય હલાવી નાખે એવું છે. અમે
આવું તો કદી જોયું ન હતું. (ક્્યાંથી જોયું હોય? પહેલાં તો સ્થાનકવાસી હતા ને?)
અહીં તળાવના કિનારે ઊભા ઊભા ગિરનાર દેખાય છે, ને પંચકલ્યાણક નેમપ્રભુના જ
થયા હતા. આ ઉત્સવપ્રસંગે અમરેલીના ભાવિ–જિનાલય માટે શ્રી શાંતિનાથ તથા
સીમંધર ભગવાનના પ્રતિમાજીની પણ પ્રતિષ્ઠા થઈ હતી. ઉત્સવ વખતે ગામના યુવાન
કણબીભાઈઓ પણ સમયસારનાં ગીત ગાતા હતા. પ્રતિષ્ઠા માહ સુદ એકમે થઈ હતી.