: ૫૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
બંને એકબીજાને પ્રેમથી એમ કહેતા હોય કે આપણે વીતરાગનાં સન્તાન, આપણને
પરસ્પર કલેશ ન શોભે, આપણે તો સંપથી હળીમળીને વીતરાગતાની જ ઉપાસના
કરવાની છે. આપણા ભગવાન પારસનાથે પણ આપણને વીતરાગતા જ શીખવી છે.
પ્રભુના એ માર્ગે જઈએ ને આત્માને ઓળખીએ તો જ આપણે પારસનાથના સાચા
ઉપાસક –આ બે ભાઈની માફક બે જિનાલયો શિખરબંધ શોભી રહ્યા છે. તેમાંથી એક
જિનાલયમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને સવારના ૬ થી ૯ સુધીના ત્રણ કલાક
નિરાભરણ દશામાં દિગંબર ભાઈઓ પૂજે છે, ને બાકીના સમયમાં સાભરણદશામાં
શ્વેતાંબર ભાઈઓ પૂજે છે. પાસેની દેરીઓમાં ક્યાંક દિગંબર જિનબિંબો ખડ્ગાસન
દશામાં દેખાય છે. બીજું જિનમંદિર દિગંબર સમાજનું છે, તેનો જીર્ણોદ્ધાર કરવામાં
આવ્યો છે, ને નવીન કમલ વેદી પર રણાસણમાં પ્રતિષ્ઠિત ભગવાન પારસનાથની
સવાપાંચ ફૂટ ઊંચી અતિ મનોજ્ઞ પ્રતિમા બિરાજે છે. રણાસણમાં ફાગણ વદ ત્રીજે
પ્રતિષ્ઠા થયા બાદ તરત મક્ષીજીમાં બિરાજમાન કરવામાં આવ્યા અને હજારો
ભક્તજનો–દર્શન–પૂજનનો લાભ લેવા લાગ્યા. ભગવાનની પ્રતિષ્ઠાનો વિશેષ મહોત્સવ
વેદી પ્રતિષ્ઠાની વિધિપૂર્વક વૈશાખ વદ ૬–૭ ના રોજ મક્ષીજીમાં કહાનગુરુ સાન્નિધ્યમાં
ઉજવાયો. દશહજાર ઉપરાંત દિગંબર જૈનોએ તેમાં ભાગ લીધો. ઘણા લોકો કહેતા કે
મક્ષીજીમાં આવો ભવ્ય ઉત્સવ કદી થયો નથી. બે દિવસ પૂ. શ્રી કાનજીસ્વામીનાં
પ્રવચનો પણ અલૌકિક થયા.
પ્રવચનમાં વીતરાગમાર્ગના પડકારપૂર્વક ગુરુદેવ કહે છે કે રાગની રુચિવાળા
પ્રાણીઓ વીતરાગમાર્ગને ઓળખી શકશે નહિ. જે માર્ગે સિંહ સંચર્યા તે માર્ગે હરણીયાં
નહિ જઈ શકે, તેમ મોક્ષના જે માર્ગે વીતરાગી સન્તો સંચર્યા તે માર્ગે રાગની રુચિવાળી
અજ્ઞાનીઓ નહિ જઈ શકે. પહેલાં તો રાગથી ભિન્ન ચિદાનંદસ્વભાવ શુંં છે તેનો નિર્ણય
કરવો જોઈએ. શુદ્ધજ્ઞાનાનંદસ્વરૂપ આત્માને અનુભવનાર જીવ રાગાદિ પરભાવરૂપે
પરિણમતો નથી; એવા પરિણમન વડે ધર્મી જાણે છે કે હું શુદ્ધ છું. જ્ઞાન ને આનંદ જ
મારો સ્વભાવ છે.
શુભાશુભભાવોની પ્રવૃત્તિ દુઃખરૂપ છે; તેનાથી પાર જ્ઞાનાનંદ સ્વરૂપનો નિર્ણય
અને અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે. ચૈતન્યના શાંત અવિકારી આનંદરસનું તેમાં
વેદન થાય છે. આત્માનો સ્વભાવ રાગરૂપ કદી થયો નથી, એટલે ધર્મી રાગને જાણવા
છતાં તેના સ્વામીપણે પરિણમતા નથી, જ્ઞાનના જ સ્વામીપણે પરિણમે છે. ‘ધર્મીને રાગ
થયો’ એમ કહેવું તે ઉપચાર છે, ખરેખર ધર્મી પોતે રાગરૂપ થયો નથી, ધર્મી તે ધર્મી