: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૨૫ :
જેને આગમની ઉપાસના નથી, આગમમાં આત્માનું સ્વરૂપ કેવું કહ્યું છે તેની
ખબર નથી, તેને સ્વાનુભવ થતો નથી એટલે કે મોક્ષમાર્ગ થતો નથી. હું તો
ઉપયોગસ્વરૂપ આત્મા અમૂર્તિક છું, અને શરીરાદિ તો અચેતન છે–રૂપી છે–તે હું નથી,
તેમજ મોહ–રાગ–દ્વેષાદિ ભાવો તે પણ મારા ઉપયોગસ્વરૂપથી બહાર છે એટલે જુદા છે;
–આવું સ્વ–પરનું ભેદજ્ઞાન કરે ત્યારે જ સાચો આત્મા અનુભવમાં આવે. ભાઈ! તારે
મોક્ષમાર્ગમાં આવવું હોય તો સર્વજ્ઞકથિત આગમઅનુસાર તું સ્વ–પરને જાણ,
પરમાત્મસ્વરૂપને જાણ. અરે, દુનિયા તો વીતરાગમાર્ગને છોડીને રાગના માર્ગે ચડી ગઈ
છે, રાગથી તે ધર્મ મનાવે છે, પણ બાપુ! મોક્ષનો માર્ગ એવો નથી. રાગાદિભાવો તે તો
ઉપયોગના ઘાતક છે, એને જે મોક્ષનું કારણ માને તે જીવ તે રાગાદિને ક્્યાંથી હણી
શકશે? રાગ ભલે શુભ હો–તે કાંઈ આત્માની શાંતિ આપનારો નથી, તે તો શાંતિને
ઘાતનારો છે. આત્મા તો રાગ વગરનો, જિન ભગવાન જેવો છે, એને ઓળખવો તે જ
જિનપ્રવચનનો સાર છે. –
‘જિન સોહી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ,
યહી વચનસે સમજલે જિનપ્રવચનકા મર્મ.’
શ્રીમદ્રાજચંદ્રજી પણ કહે છે કે–
‘જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ,
લક્ષ થવાને તેહનો કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.’
જુઓ, શાસ્ત્રોએ શું કહ્યું? શાસ્ત્રોએ જિનપદ જેવું નિજપદ બતાવ્યું; જેવા
ભગવાન સર્વજ્ઞદેવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે. આવા સ્વભાવને ઓળખ્યા
વગર મોહ ટળે નહિ ને મોક્ષ મળે નહીં.
આવું આત્મસ્વરૂપ બતાવનારા આગમ તે મુમુક્ષુનાં ચક્ષુ છે, એટલે કે એવા
આગમનું ભાવશ્રુતજ્ઞાન તે મોક્ષમાર્ગને જોવાની આંખ છે. સિદ્ધ ભગવંતો તો
શુદ્ધજ્ઞાનમય છે, તેમને તો અસંખ્યપ્રદેશે સર્વત્ર કેવળજ્ઞાનચક્ષુ ઊઘડી ગયાં છે એટલે
તેઓ સર્વતઃચક્ષુ છે. જગતના સામાન્ય જીવો તો ઈંદ્રિયચક્ષુવાળા છે, ઈંદ્રિયજ્ઞાનથી જ
જોનારા છે; તે ઈંદ્રિયજ્ઞાનવડે કાંઈ આત્મા ન જણાય. દેવ વગેરેને જો કે અવધિજ્ઞાનરૂપી
ચક્ષુ છે, પણ તેના વડે માત્ર રૂપી પદાર્થોને જ તેઓ દેખે છે, અતીન્દ્રિય આત્મા તેના વડે
સંવેદન થતું નથી.