Atmadharma magazine - Ank 309
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 42

background image
: ૨૬ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
ભગવંત શ્રમણો ભાવશ્રુતરૂપ આગમચક્ષુવડે શુદ્ધ આત્માને સાધે છે. તે
આગમચક્ષુવડે સ્વ–પરનો વિવેક કરીને તેમનું ભિન્નભિન્ન સ્વરૂપ જાણે છે, અને પોતાના
પરમાત્મસ્વરૂપમાં એકાગ્ર રહે છે. –આવા ભાવશ્રુતચક્ષુવડે તેઓ સર્વતઃચક્ષુરૂપ
કેવળજ્ઞાનને સાધે છે. અહીં મુનિઓની પ્રધાનતાથી ઉપદેશ છે, બાકી તો ચોથા
ગુણસ્થાનથી સમ્યગ્દ્રષ્ટિને પણ સ્વ–પરના વિવેકરૂપ ભાવશ્રુતજ્ઞાનચક્ષુ ઉઘડી ગયાં છે,
ને તેના વડે તે પણ મોક્ષને સાધી રહ્યા છે. મોક્ષે જનારા જીવોને આગમચક્ષુ એટલે કે
ભાવશ્રુત જ્ઞાન વડે શુદ્ધાત્માનું સંવેદન હોય છે.
હું ઉપયોગસ્વરૂપ આત્મા છું, ને બાહ્યપદાર્થો મારાથી ભિન્ન છે એવું જેને જ્ઞાન
નથી તે જીવો જ્ઞેયોને જાણતાં તે જ્ઞેયોમાં જ લીન થયા થકા જ્ઞાનને ભૂલી જાય છે;
જ્ઞાનનિષ્ઠપણું તેમને નથી. શુદ્ધાત્માના સંવેદનવડે જ જ્ઞાનનિષ્ઠપણું થાય છે, અને
તેનાથી જ કેવળજ્ઞાન સધાય છે. જ્ઞાનમાં એકાગ્રતાવડે કેવળજ્ઞાન સધાય છે, પણ જ્ઞેયમાં
એકાગ્રતાવડે કેવળજ્ઞાન સાધી શકાય નહીં. એટલે સર્વજ્ઞપદની સિદ્ધિને માટે પહેલાં જ્ઞાન
અને જ્ઞેયનું (અર્થાત્ સ્વ અને પરનું) સ્વરૂપ બરાબર જાણવું જોઈએ. જ્ઞાન જ્ઞેયોને
જાણે ભલે, પણ તેથી જ્ઞાન કાંઈ જ્ઞેયરૂપ થઈ જતું નથી. જડજ્ઞેયોને જાણે તેથી કાંઈ જ્ઞાન
પોતે જડ થઈ જાય નહિ. જ્ઞાન તો જડથી ને રાગથી જુદું, જ્ઞાનરૂપ રહીને જ તેમને જાણે
છે. જાણવું એ તો જ્ઞાનની તાકાત છે, જ્ઞાનનો સ્વભાવ છે. આવા શુદ્ધજ્ઞાનસ્વરૂપ હું છું–
એમ પોતાના આત્માને સ્વસંવેદનવડે અનુભવમાં લઈને તેમાં એકાગ્ર થતાં કેવળજ્ઞાન
પ્રગટે છે; અસંખ્ય ચૈતન્યપ્રદેશે અનંતા જ્ઞાનદીવડા પ્રગટી જાય છે.
સર્વજ્ઞભગવાને જીવાદિ નવતત્ત્વોને જેમ કહ્યા છે તેનાથી જરાપણ વિપરીત જેમાં
કહ્યું હોય તેને તો આગમ જ કહેતા નથી; ને એવા વિપરીત તત્ત્વોની જેને માન્યતા હોય
તેને તો આગમચક્ષુ ઊઘડયાં જ નથી એટલે મોક્ષમાર્ગને તે દેખી શકતો નથી. અહો,
વિતરાગ સર્વજ્ઞ પરમાત્માએ જેવું વસ્તુસ્વરૂપ કહ્યું તેવા વસ્તુસ્વરૂપનો નિર્ણય સાચા
આગમજ્ઞાન વડે થાય છે. આ આગમજ્ઞાન એટલે ભાવશ્રુતજ્ઞાન; તેમાં સમસ્ત પદાર્થોનો
નિર્ણય કરવાની તાકાત છે. પરથી ભિન્ન, ઉપયોગસ્વરૂપ આત્માની અનુભૂતિ થઈ
ત્યારે આગમચક્ષુ ઊઘડયાં, ને ત્યારે જીવે મોક્ષમાર્ગને દેખ્યો. આવા આગમજ્ઞાનપૂર્વક
સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન્ થાય છે, અને આવા જ્ઞાન–શ્રદ્ધાનપૂર્વક નિજસ્વરૂપમાં સ્થિરતારૂપ
આચરણ હોય છે, –આવા શ્રદ્ધા–જ્ઞાન–આચરણ તે મોક્ષમાર્ગ છે.