તેમ તેને જાણનારું જ્ઞાન પણ અનેકાન્તસ્વરૂપ છે; અને દ્રવ્યશ્રુતમાં પણ તેને કહેવાની
તાકાત છે. જાણવાની તાકાત જ્ઞાનમાં છે ને કહેવાની તાકાત વાણીમાં છે; વિસ્પષ્ટ
તર્કણારૂપ જે ભાવશ્રુતજ્ઞાન તેમાં સર્વે પદાર્થોને જાણવાની તાકાત છે. મોક્ષમાર્ગને
સાધનારા શ્રમણ–મુનિરાજ તેમજ શ્રાવકો અને અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માઓ પણ
આગમજ્ઞાનથી સ્વ–પરનું યથાર્થસ્વરૂપ જાણનારા છે, સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને પોતાને
શુદ્ધપણે (એકલો, પરથી જુદો) અનુભવે છે. આગમચક્ષુરૂપ જે ભાવશ્રુત તેમાં સમસ્ત
પદાર્થોનું સ્વરૂપ સ્પષ્ટ જાણી લેવાની તાકાત છે. જયાં આગમજ્ઞાન સાચું ન હોય, જયાં
તત્ત્વશ્રદ્ધા ચોકખી ન હોય ત્યાં સંયમદશા હોતી નથી. –કેમકે સ્વ શું અને પર શું –એની
તો એને ખબર નથી, જ્ઞાન શું અને કષાય શું તેની ભિન્નતાનું તો ભાન નથી, તે તો
કાયા અને કષાયોમાં એકત્વબુદ્ધિથી વર્તે છે, તો તેને વિષય–કષાયોથી નિવૃત્તિરૂપ સંયમ
ક્્યાંથી હોય? અરે, હજી તો સંયમદશા કેવી હોય એની ખબર પણ જેને ન હોય તેને
મોક્ષમાર્ગ કેવો? ને મુનિપણું કેવું? બાપુ! મુનિપણુ એ તો હાલતોચાલતો મોક્ષમાર્ગ છે.
મુનિદશા એટલે સાક્ષાત્ મોક્ષમાર્ગ. અહા, એના મહિમાની શી વાત! આ તો
વીતરાગનો અલૌકિક માર્ગ છે, એમાં મુનિદશા પણ કોઈ અલૌકિક છે. જ્ઞાન અને સાચી
શ્રદ્ધા વગર તે મુનિદશા હોતી નથી.
ભલે, મુનિ જેવો ઉગ્ર શુદ્ધઅનુભવ શ્રાવકને ન હોય, પણ દેહથી ભિન્ન અને રાગાદિથી
ભિન્ન ઉપયોગસ્વરૂપ શુદ્ધ આત્મા કેવો છે તેનો અનુભવ ચોથા ગુણસ્થાને પણ થઈ
ગયો છે. આવા અનુભવ ઉપરાંત મુનિદશા કેવી હોય તેની આ વાત છે. રાગથી ને
દેહની ક્રિયાથી ધર્મ માનનારા અજ્ઞાની જીવોને તો શ્રદ્ધાનીયે ખબર નથી ને સંયમની
પણ ખબર નથી. ચોથા ગુણસ્થાને પણ પોતાને શુદ્ધઅનુભવ થયો છે–તેની ધર્મીને
પોતાને ખબર પડે છે. ને એવા અનુભવ પછી જ શુદ્ધાત્મામાં વિશેષ એકાગ્રતાવડે
મુનિદશા થાય છે. –આવા મુનિભગવંતોને જ મોક્ષમાર્ગની સિદ્ધિ છે.