અને મોક્ષ પૂર્ણ સુખરૂપ છે તેને જાણ્યા વગર તે તરફનો પ્રયત્ન કેવી રીતે કરશે?
આ રીતે સુખ અને તેનો ઉપાય, તથા દુઃખ અને તેનાં કારણો –તેનું જ્ઞાન
ઉપયોગને પાછો કેમ વાળે? શુભ–અશુભ બંને આસ્રવ હોવા છતાં તેને સંવર માની
લ્યે તો તેને છોડે ક્્યાંથી? દેહની ક્રિયા પોતાની માને તો તેનાથી (અજીવથી)
ભિન્નતા કઈ રીતે અનુભવે? સમ્યગ્દર્શનપૂર્વકની શુદ્ધતા તે ખરો સંવર છે, તેને
બદલે દેહની ક્રિયાને સંવર માને કે રાગને સંવર માને તો તેનાથી જુદો પોતાને કેમ
અનુભવે? –આ રીતે તત્ત્વના જ્ઞાન વગર મિથ્યાત્વ ટળે નહિ. ભગવાન! તારું
સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તેના ભાન વગર તારી ભૂલ ભાંગશે નહિ ને તારું
ભ્રમણ મટશે નહિ. આત્માના જ્ઞાન વગર શુભભાવ કરીને સ્વર્ગે ગયો ત્યારે પણ
અગૃહીતમિથ્યાત્વ ભેગું લઈને ગયો, એટલે ત્યાં પણ દુઃખી જ થયો. આત્માના
ભાન વગર ક્્યાંય સુખનો સ્વાદ આવે નહિ.
અમૂર્ત આત્મા બધાનો જાણનાર છે. જાણનારને પુણ્ય–પાપરૂપ માનવો કે દેહરૂપ
માનવો તે મિથ્યાત્વ છે. તેણે જીવને ઉપયોગસ્વરૂપ ન માન્યો પણ અજીવરૂપ ને
આસ્રવરૂપ માન્યો, એટલે તત્ત્વની વિપરીત શ્રદ્ધા થઈ. જીવે સાચા તત્ત્વોને કદી
ઓળખ્યા નથી, તેમાં ભેળસેળ કરીને ગોટા વાળ્યા છે. જાણનાર તત્ત્વ જડની પણ
ક્રિયા કરે એમ કેમ બને? ઉપયોગની ક્રિયા જડરૂપ કેમ હોય? –ન જ હોય. ચેતનમાં
વર્ણ–ગંધ–રસ–સ્પર્શરૂપ મૂર્તપણું નથી, તે તો ઉપયોગરૂપ અમૂર્ત છે; એની
ઓળખાણ વડે જ સમ્યગ્દર્શન થાય છે ને મિથ્યાત્વ ટળે છે. માટે સંતોએ કરુણા
કરીને તેનો ઉપદેશ દીધો છે.
પ્રમાણે સર્વજ્ઞભગવાને જોયેલા ઉપયોગરૂપ જીવને જાણે તો બધા ખુલાસા થઈ જાય ને
તત્ત્વોની વિપરીતતા મટી જાય. ઉપયોગરૂપ આત્મા અજીવ નથી એટલે અજીવની ક્રિયા
તે કરતો નથી.