Atmadharma magazine - Ank 309
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 42

background image
: ૩૨ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
પ્રશ્ન: અજીવમાં તો શક્તિ ન હોય, એટલે આત્મા તેને હલાવે–ચલાવે ત્યારે
તે હાલે–ચાલે?
ઉત્તર: એમ નથી; અજીવમાં પણ તેની અનંત શક્તિઓ છે ને તેની ક્રિયાઓ
તે સ્વયં પોતાની શક્તિથી કરે છે. એકેક જડ રજકણમાં તેના અનંતા જડ–ગુણો છે,
ને તેની શક્તિથી તેનામાં રૂપાંતર હલનચલન વગેરે થાય છે. માટે જીવ અને
અજીવની ભિન્નતા જાણવી. તે બંનેને ભિન્ન ઓળખતાં તત્ત્વની ભૂલ ટળે છે ને
યથાર્થ શ્રદ્ધા થાય છે.
જગતમાં ભિન્નભિન્ન અનંતા જીવો છે; જીવ કરતાં અનંતગુણા પુદ્ગલો
છે; અસંખ્ય કાળાણુ દ્રવ્યો છે; ધર્માસ્તિ, અધર્માસ્તિ અને આકાશ એ પ્રત્યેક દ્રવ્યો
છે. આ છ પ્રકારનાં દ્રવ્યોમાં જીવ સિવાયનાં પાંચે અજીવ છે; ને પુદ્ગલ સિવાયના
પાંચે અમૂર્ત છે. જગતમાં આ છ એ પ્રકારનાં દ્રવ્યો સર્વજ્ઞદેવે સ્વતં
ત્ર જોયા છે;
તેને સ્વતંત્ર ન માનતાં પરાધીન માનવા તે તત્ત્વશ્રદ્ધામાં વિપરીતતા છે. છ
દ્રવ્યોરૂપ જે વિશ્વ, તેનો કોઈ કર્તા–હર્તા કે ધર્તા નથી. (ધર્તા=ધારણ કરનાર)
છએ દ્રવ્યોમાં એકલો આત્મા જ ઉપયોગરૂપ છે, તેથી આત્મા જ અનુપમ
છે. અહા! જે સર્વજ્ઞસ્વભાવી મહાન પદાર્થ છે તેને કોની ઉપમા દેવી? અનાદિથી
આત્મામાં સર્વજ્ઞસ્વભાવ છે–જે બીજા શેમાંય નથી; શરીરમાં નથી, રાગમાં નથી,
એવો ઉપયોગ તે જીવનું લક્ષણ છે. અલૌકિક વસ્તુ આત્મા છે, તેના સ્વભાવને
બીજા કોઈ બાહ્ય પદાર્થની ઉપમા આપી શકાતી નથી; પોતાના અનુભવ વડે તેને
જાણી શકાય છે. આવા આત્માને સ્વાનુભવથી જાણે ત્યારે જ સમ્યગ્દર્શન થાય.
સમ્યગ્દર્શન વગર સમ્યગ્જ્ઞાન કે સમ્યક્ચારિ
ત્ર હોતાં નથી. સમ્યગ્દર્શન વગરની
શુભક્રિયાઓ તે એકડા વગરનાં મીંડાંની માફક ધર્મમાં કિંમત વગરની છે. જેમ
આંખ વગરનો માણસ શોભે નહિ, તેમ જીવની આંખ તો ઉપયોગરૂપ જ્ઞાન–દર્શન
છે, પુણ્ય–પાપ તે કાંઈ જીવની આંખ નથી; આ બહારની આંખ તો જડ છે.
ઉપયોગસ્વરૂપ નિજ આત્માને જાણવા–દેખવારૂપ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનચક્ષુ
જેને ખુલ્યાં નથી તેની શુભક્રિયાઓ પણ ધર્મમાં શોભતી નથી, અર્થાત્ તે ધર્મનું
કારણ થતી નથી પણ સંસારનું જ કારણ થાય છે. પોતે પોતાને ન દેખે–ન જાણે
એને ધર્મ કેવો? સમ્યક્ત્વરૂપી ધર્મની આંખ જ તેને ઊઘડી નથી.