Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 48

background image
: ૪૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
છે. માણસો કહે છે કે આત્મા ન સમજાય તો પુણ્યના શુભભાવ તો કરવા કે નહિ? તેનો
ઉત્તર કહે છે કે પ્રથમ સ્વભાવ સમજવો તે જ ધર્મ છે. ધર્મ વડે જ સંસારનો અંત આવે
છે; શુભભાવથી ધર્મ થાય નહિ અને ધર્મ વગર સંસારનો અંત આવે નહિ. ધર્મ તો
પોતાનો સ્વભાવ છે, માટે પહેલાં સ્વભાવ સમજવો જોઈએ. શુભભાવ થાય ખરા, પણ
તે કર્તવ્ય નથી. શુભ–અશુભભાવ તો અનાદિકાળથી કરતો આવે છે, તે કાંઈ ધર્મનો
ઉપાય નથી. પણ તે શુભ–અશુભભાવથી રહિત જ્ઞાનસ્વભાવી આત્માની ઓળખાણ
કરવી તે જ ધર્મ છે.
પ્રશ્ન:– સ્વભાવ ન સમજાય તો શું કરવું? સમજતાં વાર લાગે તો શું કરવું?
ઉત્તર:– પ્રથમ તો રુચિથી પ્રયત્ન કરે તેને આ વાત ન સમજાય એમ બને જ
નહિ. સમજતાં વાર લાગે ત્યાં સમજણના લક્ષે અશુભભાવ ટાળી શુભભાવ તો સહેજે
થાય છે, પરંતુ શુભભાવથી ધર્મ થતો નથી એમ જાણવું. જ્યાં સુધી કોઈ પણ જડ
વસ્તુની ક્રિયા અને રાગની ક્રિયા જીવ પોતાની માને ત્યાં સુધી તે સાચી સમજણના
માર્ગે નથી.
સુખનો રસ્તો સાચી સમજણ; વિકારનું ફળ જડનો સંયોગ
જીવને જો આત્માને સાચી રુચિ થાય તો તે સમજણનો રસ્તો લીધા વગર રહે
નહિ; સત્ય જોઈતું હોય, સુખ જોઈતું હોય તો આ જ રસ્તો છે. ચારિત્રદશામાં ભલે વાર
લાગે પરંતુ માર્ગ તો સાચી સમજણનો લેવો જોઈએ ને! સાચી સમજણનો માર્ગ લ્યે તો
સત્ય સમજાયા વગર રહે જ નહિ. જો આવા મનુષ્યઅવતારમાં અને સત્સમાગમનાયોગે
પણ સત્ય ન સમજે તો ફરી સત્યના આવા ટાણાં મળવા દુર્લભ છે. હું કોણ છું તેની જેને
ખબર નથી અને અહીં જ સ્વરૂપ ચૂકીને જાય છે તે પરભવમાં જ્યાં જશે ત્યાં શું કરશે?
સ્વરૂપના ભાન વગર શાંતિ ક્યાંથી લાવશે? આત્માના ભાન વગર કદાચ શુભભાવ
કર્યા હોય તો તે શુભના ફળમાં જડનો સંયોગ મળશે, શુભના ફળમાં કાંઈ આત્મા નહીં
મળે. આત્માની શાંતિ તો આત્મામાં છે, પરંતુ તેની તો દરકાર કરી નથી.
અસાધ્ય કોણ અને શુદ્ધાત્મા કોણ?
જે જીવ અહીં જ જડ સાથે એકત્વબુદ્ધિ કરીને જડ જેવો થઈ ગયો છે, પોતાને
ભૂલીને સંયોગદ્રષ્ટિથી મરે છે, અસાધ્યપણે વર્તે છે એટલે ચૈતન્યસ્વરૂપનુ ભાન નથી, તે
જીવતાં જ અસાધ્ય છે. ભલે, શરીર હાલે–ચાલે–બોલે, પણ એ તો જડની ક્રિયા