: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૨૭ :
(પ્રવચનસાર ગાથા ૧૭૨ ‘અલિંગગ્રહણ’ ઉપરનાં પ્રવચનોની થોડીક પ્રસાદી)
* આત્મા એટલે જ્ઞાનસ્વભાવ, જ્ઞાન તેને કહેવાય કે જેની સાથે અતીન્દ્રિય આનંદ હોય.
* જ્ઞાનને પરની, ઈન્દ્રિયોની, રાગની અપેક્ષા નથી, એકલા આત્માના સ્વભાવને
અવલંબનારું જે જ્ઞાન તે જ ખરું જ્ઞાન છે, એટલે અતીન્દ્રિયજ્ઞાનસ્વભાવ તે આત્મા
છે. ઈન્દ્રિયોવડે જાણે એવો આત્મા નથી.
* પાંચ ઈન્દ્રિયોના અવલંબનપૂર્વક થતું જે જ્ઞાન તે ખરો આત્મા નહીં; તે ખરું જ્ઞાન
નહીં.. અંદરના ચૈતન્યપાતાળમાંથી જે જ્ઞાન પ્રગટે તે ખરું જ્ઞાન, ને તે ખરો આત્મા
છે. શબ્દશ્રુતના અવલંબને થતું જ્ઞાન તે ખરૂં ભાવશ્રુત નથી, ચૈતન્યસ્વભાવના જ
અવલંબને ભાવશ્રુત થાય છે; ને તે અતીન્દ્રિયઆનંદથી સહિત છે.
* ઈન્દ્રિયજ્ઞાન વડે તો અનાદિકાળથી જાણે છે, –પણ એ તો અજ્ઞાન છે. ‘ઈન્દ્રિયજ્ઞાન
વડે જાણું એટલો જ હું’ એવી મિથ્યાબુદ્ધિને લીધે આત્માનું પરમાર્થ સ્વરૂપ જણાતું
નથી. ઈન્દ્રિયના અવલંબનમાં આકુળતા છે, તે આત્માના પરમાર્થસ્વરૂપમાં નથી.
* અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ અમૂર્ત આત્મા, તે મૂર્ત ઈન્દ્રિયો વડે જાણવાનું કામ કેમ કરે?
‘ઈન્દ્રિયો વડે જાણે તે આત્મા’ –એમ ઓળખવા જાય તો ઈન્દ્રિયોથી ભિન્ન આત્માનું
પરમાર્થસ્વરૂપ ઓળખાતું નથી, ઈન્દ્રિયોથી આત્મા અત્યન્ત જુદો છે એમ ભેદજ્ઞાન
કરાવીને અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા ઓળખાવ્યો છે.
* સ્વભાવને અવલંબનારું અતીન્દ્રિયજ્ઞાન તે જ મોક્ષનું કારણ છે, તે જ જ્ઞાનમાં સુખ
છે. ઈન્દ્રિયજ્ઞાન તો વિષયોને અવલંબનારું ને આકુળતા ઉપજાવનારું છે, એટલે તે તો
બંધનું કારણ છે. રાગ તો આત્મા નહીં, ને એકલું ઈન્દ્રિયજ્ઞાન તે પણ ખરેખર આત્મા
નહીં. આત્મા તો અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે.
* ઈન્દ્રિયો જડ–અચેતન છે, તેની સાથે તન્મયપણું માનનારું ઈન્દ્રિયજ્ઞાન તે અતીન્દ્રિય
આત્માનો સ્વભાવ નથી. જાણવા માટે ઈન્દ્રિયો કાંઈ આત્માનું દ્વાર નથી એટલે કે તે
ઈન્દ્રિયો વડે જાણતો નથી. આત્મા પોતે અતીન્દ્રિય છે, તો તે અતીન્દ્રિયજ્ઞાન વડે જ
જાણનારો છે.