: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
સ્વજ્ઞેયને જાણનારા જ્ઞાનમાં સહેજે સ્વભાવની મુખ્યતા ને રાગની ગૌણતા (એટલે
નિશ્ચયની મુખ્યતા ને વ્યવહારની ગૌણતા) થઈ જાય છે, ભૂતાર્થસ્વભાવના આશ્રયે
સમ્યગ્દર્શન ન થવાનો મહાન સિદ્ધાંત પણ આમાં આવી જાય છે.
* જુઓ, સ્વજ્ઞેયને જાણવાની એટલે કે સમ્યગ્દર્શન કરવાની આ વાત છે. ભાઈ,
તારા જ્ઞાનને સ્વજ્ઞેય તરફ વાળ્યા વગર તને તારું સાચું જ્ઞાન ક્યાંથી થશે?
સ્વસન્મુખ થયેલા અતીન્દ્રિયજ્ઞાન વડે જ તારી અચિંત્ય પ્રભુતા તને દેખાશે, ને
પરમ આનંદ થશે.
* ઈન્દ્રિયોનું–રાગનું–વ્યવહારનું અવલંબન છોડીને, નિજસ્વભાવનું અવલંબન લઈને
જ્યાં જ્ઞાનચેતના સ્વજ્ઞેયમાં મગ્ન થઈ ત્યાં અતીન્દ્રિય આનંદનો દરિયો ઉલ્લસ્યો.
દરિયો ઊછળે તેને કોણ રોકી શકે? જ્ઞાન જો ઈન્દ્રિયોના અવલંબનમાં રોકાય તો
આનંદનો દરિયો ઉલ્લસે નહીં.
* ખરો જિજ્ઞાસુ શિષ્ય આત્માને જાણવાની ધગશપૂર્વક પૂછે છે કે પ્રભો! આત્માની
એવી અસાધારણ નિશાની બતાવો કે જેના વડે સર્વે પરદ્રવ્યોથી ભિન્ન આત્માનો
અનુભવ થાય! એવા જિજ્ઞાસુને ‘अलिंगग्रहण’ ના અર્થોદ્વારા આચાર્યદેવે પરમાર્થ
આત્મા ઓળખાવ્યો છે. અહો, સ્વાનુભવનાં અલૌકિક રહસ્યો ખોલીને સંતોએ મોટો
ઉપકાર કર્યો છે.
* એકલા અનુમાનના બળે આત્મા જાણવામાં આવે નહિ. ઈન્દ્રિયગમ્ય ચિહ્નો વડે
આત્માનું અનુમાન થાય નહિ. અનુમાન તે વ્યવહાર છે, સ્વસંવેદન પ્રત્યક્ષ તે નિશ્ચય
છે. સ્વસંવેદન–પ્રત્યક્ષરૂપ નિશ્ચય વગર એકલા પરોક્ષ અનુમાનવડે આત્માનું સાચું
સ્વરૂપ જણાય નહીં.
* અનુભવ વગરના એકલા શાસ્ત્રજ્ઞાનવડે આત્મા જણાય નહીં. એકલા શાસ્ત્ર તરફનું
જ્ઞાન તે પણ ઈન્દ્રિયજ્ઞાન છે, તેનાથી અનુમાન કરીને પણ આત્માનું સ્વરૂપ
ઓળખાય નહી. અંતર્મુખ થઈને નિર્વિકલ્પ અનુભવ કરે ત્યારે જ આત્માનું સાચું
સ્વરૂપ અનુભવમાં આવે.
* આત્માનું જ્ઞાન એવું લંગડું નથી કે તેણે ઈન્દ્રિયોનો ટેકો લેવો પડે. ઈન્દ્રિયગમ્ય ચિહ્નો
કે મનગમ્ય એવા સંકલ્પ વિકલ્પો, તેના વડે આત્માનું ખરૂં સ્વરૂપ નક્કી ન થઈ શકે;
કેમકે ઈન્દ્રિયગમ્ય ચિહ્નો તે કાંઈ આત્માનાં ચિહ્ન નથી. આત્માનું ચિહ્ન તો અતીન્દ્રિય
ઉપયોગ છે; અને તે તો પ્રત્યક્ષ સ્વસંવેદનનો વિષય છે. આત્મામાં એવી પ્રકાશશક્તિ
છે કે સ્વસંવેદનના પ્રકાશવડે પોતે પોતાને પ્રત્યક્ષ અનુભવે છે.