: ૩૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
* જેણે પોતામાં આત્માનું સ્વસંવેદન–પ્રત્યક્ષ કર્યું છે તે જ બીજા આત્માનું સ્વરૂપ જાણી
શકે છે. સામા જીવને સ્વસંવેદનપ્રત્યક્ષ થયું હોય–તેને પણ ખરેખર ત્યારે જ ઓળખી
શકાય કે જ્યારે પોતામાં આત્માનું સ્વસંવેદનપ્રત્યક્ષ થયું હોય. અથવા સામો
અજ્ઞાનીજીવ હોય, તેને સ્વસંવેદન થયું ન હોય, એવા જીવનું પણ જે ખરૂં
ચૈતન્યસ્વરૂપ છે તેને. ધર્મીજીવ પોતાના સ્વસંવેદનપૂર્વકના અનુમાનથી જાણી લ્યે છે.
સ્વસંવેદન વગરના એકલા અનુમાનથી જણાઈ જાય એવો આત્મા નથી.
* જેને સ્વસંવેદન ન હોય એવો અજ્ઞાનીજીવ આ આત્માનું ખરૂં સ્વરૂપ અનુમાનથી
જાણી શકતો નથી. અને આ આત્મા એકલા અનુમાનથી પરને જાણનારો નથી–એ
વાત પાંચમા બોલમાં કહેશે.
* નિશ્ચય સહિતનું વ્યવહારજ્ઞાન, એટલે કે પ્રત્યક્ષપૂર્વકનું અનુમાનજ્ઞાન યથાર્થ હોય છે.
પ્રત્યક્ષ વગરનું એકલું અનુમાન તે સાચું અનુમાન નથી. એકલું અનુમાન તે
આત્માનું સ્વરૂપ નથી. ને તેના વડે આત્મા જણાતો નથી.
* આત્મા એવો નથી કે એકલા અનુમાન વડે કોઈ તેને જાણી લ્યે–આમાં અદ્ભુત
રહસ્યો છે. પોતાને આત્માનું સ્વસંવેદન થયા વગર કેવળીની, મુનિની કે ધર્મીની
સાચી ઓળખાણ થઈ શકતી નથી.
* અહા, ચૈતન્યની અચિંત્ય કિંમત કેમ થાય તેની આ વાત છે. રાગથી જુદો પડીને
જ્ઞાનસ્વરૂપી આત્માનો નિર્ણય કરે ત્યારે જ સ્વ–પર આત્માની સાચી ઓળખાણ
થાય. અને એવી ઓળખાણ થાય તેને દેવ–ગુરુ–ઉપર અપૂર્વ પ્રમોદ જાગે. ઓળખાણ
વગર ખરો પ્રમોદ ક્યાંથી આવે?
* બાર અંગનું ને જિનશાસનનું રહસ્ય આત્માના સ્વસંવેદનમાં સમાય છે. અંતર્મુખ
થઈને ચિદાનંદ તત્ત્વને અનુભવનારા ધર્માત્મા જ ધર્મમાં આગળ વધ્યા છે. જેને
ચૈતન્યનો અનુભવ નથી તેને બીજી ગમે તેટલી ધારણા હોય તોપણ તે સંસારના
માર્ગે જ છે, ધર્મના માર્ગે નથી. ધર્મના રાહ તો અંદર ચૈતન્યમાં છે.
* અનુભવી હોય તે જ અનુભવીને ઓળખે.
* ભાઈ, આત્માના અંર્તઅનુભવને જાણ્યા વગર એકલા બહારના અનુમાનથી તું
જ્ઞાનીનું માપ કાઢવા જઈશ તો ભ્રમણામાં પડીશ.