Atmadharma magazine - Ank 312
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 48

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
ભેદજ્ઞાનરૂપી અમોઘ બાણ
અહો, જ્ઞાનીના જ્ઞાન–વૈરાગ્ય આશ્ચર્યકારી છે
(ભાદ્ર વદ ૧૦ : સાગરવાળા શેઠ શ્રી ભગવાનદાસજીના બંગલામાં પ્રવચન)

આ નિર્જરાની શરૂઆત છે. નિર્જરા એટલે ધર્મ. આત્માના અતીન્દ્રિય આનંદનો
સ્વાદ ધર્મીના અનુભવમાં આવ્યો છે એટલે પરદ્રવ્યમાં ક્યાંય તેને પ્રેમ નથી, પરદ્રવ્યમાં
ક્યાંય તેને પોતાનો આનંદ દેખાતો નથી. આવા વિરક્તિભાવને લીધે તથા જ્ઞાનને લીધે
ધર્મીને નિર્જરા થાય છે. રાગથી ભિન્ન શુદ્ધાત્માની અનુભૂતિથી ધર્મીને જે ભેદજ્ઞાન થયું
છે તે અમોઘ બાણ જેવું છે, તે કર્મોને હણી નાંખે છે. શુદ્ધાત્માના અનુભવ વગર કદી
કર્મબંધન અટકે નહીં.
અજ્ઞાનીને પરદ્રવ્યથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ નથી ને પર વિષયોમાં
સુખ માને છે એટલે વિષયોના રાગમાં જ તે રક્ત છે, તેથી તેને બંધન થાય છે. રાગમાં
લીન જીવો કર્મને બાંધે છે, અને રાગથી વિરક્ત થઈને શુદ્ધ જ્ઞાનમાં લીન જીવો મુક્તિ
પામે છે. આ રીતે રાગ અને જ્ઞાનની ભિન્નતાનું ભેદજ્ઞાન તે મોક્ષનું કારણ છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવે ઈન્દ્રિયભોગોથી પોતાના આત્માને ભિન્ન જાણ્યો છે. હું
અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવ છું; ઈન્દ્રિયોથી જુદો છું. આ રીતે ઈન્દ્રિયોથી જેણે પોતાની
ભિન્નતા જાણી છે એવા જ્ઞાની ઈન્દ્રિયવડે વિષયોને કેમ ભોગવે? એની જ્ઞાનપરિણતિ તો
વિષયોથી વિરક્ત છે. છતાં ‘જ્ઞાની ઈન્દ્રિયવડે પદાર્થોને ભોગવે છે’ –એમ લોકોને
બાહ્યદ્રષ્ટિથી દેખાય છે. ઈન્દ્રિયો જડ, તેના વિષયો જડ, તે બંને આત્માથી ભિન્ન છે;
અજ્ઞાની પણ તે જડને તો નથી ભોગવતો, તે રાગમાં લીન થઈને રાગને જ ભોગવે છે.
ને જ્ઞાની રાગાદિથી ભિન્ન એવા જ્ઞાનપણે જ પોતાને અનુભવતો થકો રાગાદિનો કે
વિષયોનો ભોક્તા થતો જ નથી; એની પરિણતિ તો જ્ઞાનમય જ છે. જ્ઞાનીની આવી
અંર્તપરિણતિને અજ્ઞાની લોકો ઓળખી શકતા નથી; એટલે તેને તો એમ જ દેખાય છે
કે ‘જ્ઞાનીએ રાગ કર્યો, જ્ઞાનીએ ક્રોધ કર્યો; જ્ઞાનીએ ખાધું.....’ –પણ તે વખતે તે
બધાયથી ભિન્નપણે જ્ઞાનીનું જ્ઞાન પરિણમી રહ્યું છે, તે જ્ઞાન તેને દેખાતું નથી. બાહ્ય
વિષયોના ઉપભોગ વખતેય ધર્મીજીવને રાગથી ભિન્ન જે જ્ઞાનપરિણતિ વર્તે છે તેના
બળે તેને નિર્જરા થયા જ કરે છે.