Atmadharma magazine - Ank 312
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 48

background image
: ૨૪ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
આસ્રવતત્ત્વ છે, જ્ઞાનતત્ત્વથી તે ભિન્ન છે–એવા ભેદજ્ઞાનપૂર્વક જ્ઞાની તે
ઉદયભાવોને છોડે છે ને ‘હું તો એક જ્ઞાયક ભાવ છું’ એમ અનુભવે છે. આવા
અનુભવને લીધે તેને સંવર થાય છે, તેને કર્મનું બંધન થતું નથી પણ નિર્જરા જ થાય છે.
જેમ કાદવના સંયોગમાં કે અગ્નિના સંયોગમાં સોનું તો સોનું જ રહે છે, તેમ કર્મના
અનેકવિધ સંયોગમાં કે રાગાદિના સંયોગમાં પણ જ્ઞાનીનું જ્ઞાન તો જ્ઞાન જ રહે છે.
આવા જ્ઞાનસ્વરૂપ આત્મા, તે વિકલ્પથી વેદનમાં ન આવે, પણ અંતરના
જ્ઞાનવડે જ તે સ્વસંવેદનમાં આવે છે. રાજપરિવાર વચ્ચે રહેલા ભરતચક્રવર્તી પોતાને
તેનાથી ભિન્ન આવા જ્ઞાનસ્વરૂપે જ અનુભવતા હતા. આવા આત્માનો અનુભવ કર્યે
જ જન્મ–મરણનો અંત આવે છે. નરકના સંયોગમાં રહેલા સમ્યગ્દ્રષ્ટિ જીવ તે સંયોગથી
ભિન્ન જ્ઞાનસ્વરૂપે જ પોતાને અનુભવે છે; એ જ રીતે સ્વર્ગના વૈભવની વચ્ચે રહેલા
સમ્યગ્દ્રષ્ટિ પણ પોતાને તે સંયોગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપે જ અનુભવે છે. ઈચ્છાઓ થાય
તે પણ જ્ઞાનથી ભિન્ન છે. આ રીતે વિવિધ પ્રકારના જે ઉદય વિપાકો તે કોઈ મારો
સ્વભાવ નથી, હું તો તેનાથી અલિપ્ત એવો એક જ્ઞાયકભાવ જ છું–આવા જ્ઞાયકભાવમાં
શુભાશુભનું વેદન નથી. પુણ્યનો ઉદય પણ આત્માનો ભાવ નથી, આત્માનો ભાવ તો
જ્ઞાયક એક ભાવ છે. એવા ભાવપણે જ ધર્મી પોતાને અનુભવે છે. આવો અનુભવ અને
આવું ભેદજ્ઞાન તે ધર્મીજીવને નિર્જરાનું કારણ છે. ભોગોપભોગના કાળ વખતેય આવું
ભેદજ્ઞાન તેને વર્તતું જ હોવાથી નિર્જરા પણ થયા જ કરે છે. થોડાક રાગાદિ ભાવ અને
કર્મબંધન છે પણ તે રાગ અને કર્મ બંનેથી ભિન્નપણે જ, માત્ર જ્ઞાયકભાવ રૂપે ધર્મી
પોતાને અનુભવે છે; પોતાને રાગપણે કે કર્મપણે તે અનુભવતા નથી. માટે જ્ઞાનરૂપે જ
પરિણમતા ધર્મીને બંધન નથી.
અહા, એક પરમ જ્ઞાનભાવરૂપ આત્મદ્રવ્યને બધાથી ભિન્ન પાડીને અનુભવમાં
લીધું છે; રાગના એક કણનું પણ જેમાં અસ્તિત્વ નથી એવા જ્ઞાનસ્વરૂપને અનુભવમાં
લીધું ત્યાં રાગાદિ પ્રત્યે સંપૂર્ણ વિરક્તિ છે.–એ જ ધર્મીનો ખરો વૈરાગ્ય છે. રાગને
પોતાપણે અનુભવ તેને વૈરાગ્ય કેવો? વૈરાગ્યના સ્વરૂપની તેને ખબર પણ નથી. રાગ
અને જ્ઞાનની ભિન્નતાના ભેદજ્ઞાન વગર સાચો વૈરાગ્ય હોતો નથી. આવો વૈરાગ્ય
જ્ઞાનીને જ હોય છે. આવા ભેદજ્ઞાન પછી જેમ જેમ જ્ઞાનમાં ઠરતો જાય છે તેમ તેમ
રાગનો અભાવ થતો જાય છે. –આ જ મોક્ષનો ઉપાય છે. શુદ્ધ જ્ઞાનનો અનુભવ તે જ
મોક્ષનું કારણ છે.