: ૧૦ : : કારતક : ૨૪૯૬
શુભરાગની ક્રિયામાં
જ્ઞાનનો પ્રકાશ નથી
(સમયસાર ગાથા ૨૦પ)
મોક્ષાર્થી જીવોએ જ્ઞાનનું જ સેવન કરવું, તેમાં પરમ સુખ છે.
રાગના સેવન વડે કદી મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
જેઓ શુભરાગના ક્રિયાકાંડને મોક્ષનું કારણ માની રહ્યા છે ને રાગથી ભિન્ન
જ્ઞાનનું સેવન કરતા નથી તે જીવો મોક્ષથી વિમુખ છે, તેઓ વ્યવહાર વ્રત–તપના રાગથી
ગમે તેટલો કલેશ ઉઠાવે તોપણ જ્ઞાનના સેવન વગર કોઈ પણ રીતે મોક્ષને પામી શકતા
નથી; કેમકે મોક્ષ તો શુદ્ધ જ્ઞાનમય પદ છે, અને તે તો જ્ઞાન વડે જ સ્વસંવેદનમાં આવે
છે. જ્ઞાન ગુણ વિના તેની પ્રાપ્તિ થઈ શકતી નથી.
‘જ્ઞાનગુણ’ એટલે કે, જ્ઞાનસ્વભાવની અનુભવદશારૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર તે ‘જ્ઞાનગુણ’ છે, તેમાં રાગના ક્રિયાકાંડનો અભાવ છે. જ્ઞાન–અનુભવની ક્રિયા
તે મોક્ષનું કારણ છે પણ રાગની ક્રિયા તે મોક્ષનું કારણ નથી.–આવા જ્ઞાનસ્વરૂપ
નિજપદને ઓળખીને હે જીવો! જ્ઞાન વડે તેનું સેવન કરો.
જગતના ઘણા જીવો તો અજ્ઞાની હોવાથી પોતાના જ્ઞાનમય નિજપદને
ઓળખતા નથી, ને અજ્ઞાનમય એવા રાગાદિ ભાવોને જ મોક્ષનું કારણ સમજીને સેવી
રહ્યા છે. તેઓ તો રાગ વગરના જ્ઞાનપદને અનુભવતા નથી તેથી મોક્ષને પામતા નથી.
પણ જે જીવ મોક્ષાર્થી હોય તે પોતાના જ્ઞાનસ્વભાવને ઓળખીને તેનું જ આલંબન કરો;
તેના અનુભવથી જરૂર મોક્ષ પમાય છે.
શુભરાગ વડે જ્ઞાનનો અનુભવ થાય? કદી ન થાય, કેમ કે રાગ તો જ્ઞાનથી
વિરુદ્ધ ભાવ છે. રાગની ક્રિયામાંથી જ્ઞાન પ્રગટ કરવા ઈચ્છે છે તે જીવોને જ્ઞાનપદની
ખબર નથી, તેઓ તો રાગમાં ને પુણ્યમાં જ સંતુષ્ઠ છે, તેમાં જ લીન છે. હે મુમુક્ષુ!
મોક્ષને માટે તું આ જ્ઞાનનો અનુભવ કરીને તેમાં જ તૃપ્ત થા, જ્ઞાનમાં જ સંતુષ્ઠ થા ને
જ્ઞાનમાં જ લીન થા.–એમ કરવાથી સાક્ષાત્ ઉત્તમ સુખ તને અનુભવાશે.