Atmadharma magazine - Ank 314
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 41

background image
: માગશર : ૨૪૯૬ : ૭ :
જેમ ‘સત્તા’ એક ગુણ છે; ને વસ્તુ ગુણવાન છે; તેમ જ્ઞાન એક ગુણ છે–
ભાવ છે, ને આત્મા ગુણવાન છે–ભાવવાન છે. જેમ આત્મવસ્તુ પોતે ઉત્પાદ–વ્યય–
ધ્રુવરૂપ છે તેમ તેનો જ્ઞાનગુણ પોતાથી જ ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે. જ્ઞાનપણે નિત્ય
રહીને તે પોતે એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે બદલે છે, એટલે ઉત્પાદ–વ્યયને
કરે છે.
અજ્ઞાન ટળીને સમ્યગ્જ્ઞાન થયું કે શ્રુતજ્ઞાન પલટીને કેવળજ્ઞાન થયું, તે જ્ઞાનની
પોતાની સત્તાથી થયું છે, કોઈ બીજાના કારણે થયું નથી. મિથ્યાત્વ ટળીને સમ્યક્ત્વ
થયું–તે ઉત્પાદ–વ્યય જીવથી થયા છે, તે વખતે કર્મમાં મિથ્યાત્વ અવસ્થા મટીને બીજી
(અકર્મરૂપ) અવસ્થા થઈ તે ઉત્પાદ–વ્યય પુદ્ગલના છે, તે પુદ્ગલનું સત્ છે; જીવની
સત્તામાં તે નથી એટલે તેનો કર્તા પણ જીવ નથી. કેમકે જેના અસ્તિત્વમાં જે હોય તે
તેને કરે.
અહા, જગતના બધા પદાર્થો એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવતા એવા ત્રણ
સ્વરૂપ છે. એક સમયમાં ત્રણને જાણે તે ત્રણકાળને જાણે. સત્ કેવું છે તેની જગતને
ખબર નથી. ભગવાનની વાણીએ આવું સત્ પ્રસિદ્ધ કર્યું એ તેમની સર્વજ્ઞતાની નિશાની
છે.
શરીરની, વચનની, કર્મની જેટલી ક્રિયાઓ છે તે બધી પુદ્ગલના ઉત્પાદ–વ્યય–
ધ્રુવમાં છે, એટલે પુદ્ગલના અસ્તિત્વમાં તે થાય છે; જીવમાં નહીં; પુદ્ગલો ઉત્પાદ–
વ્યયરૂપ થઈને તે ક્રિયાને કરે છે, જીવ તેને કરતો નથી. જીવનું અસ્તિત્વ પોતાના
ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં છે.
અહો, પદાર્થનું આવું સત્ સ્વરૂપ, તે જાણતાં સમ્યગ્જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે,
મિથ્યાબુદ્ધિ છૂટીને વીતરાગતા થાય છે. સમ્યગ્જ્ઞાનની પ્રસિદ્ધિ અને વીતરાગતા તે આ
શાસ્ત્રનું તાત્પર્ય છે. વસ્તુના સત્ સ્વરૂપને જાણ્યા વગર સમ્યગ્જ્ઞાન કે વીતરાગતા થાય
નહીં.
સત્ વસ્તુ પોતે જ ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે. તો બીજો તેમાં શું કરે? પોતાના
ઉત્પાદ–વ્યય–ધ્રુવથી બહાર કોઈ વસ્તુનું અસ્તિત્વ હોતું નથી, એટલે પરમાં તે શું કરે?
અહો, વસ્તુનું અસ્તિત્વ જાણે તો સ્વ–પરની તદ્ન ભિન્નતારૂપ ભેદજ્ઞાન થાય, એટલે
સમ્યગ્જ્ઞાનની પ્રસિદ્ધિ થાય. આવા ભેદજ્ઞાન વડે જ રાગ–દ્વેષ–મોહને હણીને વીતરાગતા
થાય છે.