: પોષ : ૨૪૯૬ : ૧૩ :
* પુણ્ય અને પાપ બંનેથી જુદો જે શુદ્ધ ઉપયોગ છે તે જ મોક્ષનું કારણ છે.
* પુણ્ય કે પાપ બંને પરદ્રવ્યના આશ્રયે થાય છે, તે પરાશ્રિતભાવો છોડવા જેવા છે;
* સ્વાશ્રિત એવા શુદ્ધ રત્નત્રયભાવ તે મોક્ષમાર્ગ છે, તે જ આદરણીય છે.
* જેટલા વ્યવહારભાવો છે તે તો બધાય પરદ્રવ્યને આશ્રિત છે; નિશ્ચયરૂપ
મોક્ષમાર્ગ તો શુદ્ધ સ્વદ્રવ્યના જ આશ્રયે છે, તેમાં પરદ્રવ્યનો આશ્રય જરાપણ
નથી.
* માટે હે ભાઈ! પરને સુખી–દુઃખી કરવાની કે જીવાડવા–મારવાની મિથ્યાબુદ્ધિ તો
છોડ, અથવા પરથી મને સુખ–દુઃખ કે બંધ–મોક્ષ વગેરે થાય–એવી મિથ્યાબુદ્ધિ
તો છોડ; ને શુભાશુભ સર્વપ્રકારના રાગભાવો સાથે જ્ઞાનની એકત્વ બુદ્ધિરૂપ
મિથ્યાત્વને પણ છોડ. જે શુદ્ધ ઉપયોગરૂપ આનંદમય ચૈતન્યભૂમિ, તેમાં જ
તન્મય થઈને આત્માને અનુભવમાં લે; તે જ મોક્ષનું કારણ છે.
(સમયસાર–બંધઅધિકાર)
* * * * *
જૈનસિદ્ધાંતના પંચશીલ
(૧) આત્મા ઉપયોગસ્વરૂપ છે, તે ઉપયોગરૂપે જ રહે ને પરભાવરૂપ ન પરિણમે,
એનું નામ ધર્મ છે.
(૨) ઉપયોગસ્વરૂપ આત્મા પોતાથી ભિન્ન બીજા કોઈ પણ જડ કે ચેતન પદાર્થના
કોઈપણ કાર્યને કરી શકતો નથી.
(૩) ઉપયોગસ્વરૂપ આત્મા પોતાની શુદ્ધતાને ભૂલીને, પુણ્ય કે પાપરૂપ પોતાને
માનીને તે ભાવનો કર્તા થાય છે, તે અજ્ઞાન છે, અધર્મ છે.
(૪) જ્ઞાની પોતાને પરથી જુદો ને પુણ્ય–પાપથી જુદો ઉપયોગસ્વરૂપ અનુભવે છે
એટલે તે પરદ્રવ્યનો કે પરભાવનો કર્તા થતો નથી, તેમાં મગ્ન થતો નથી. ને
અજ્ઞાની પોતાને પર દ્રવ્યનો તથા પરભાવનો કર્તા માનીને તેમાં જ મગ્ન રહે છે.
(પ) આમ જાણીને હે જીવ! તું અજ્ઞાન અને અધર્મથી છૂટવા માટે પરદ્રવ્ય તથા
પરભાવોને તારા ચૈતન્યસ્વરૂપથી જુદા જાણીને તેમનું કર્તૃત્વ છોડ; અને
ઉપયોગ–સ્વરૂપ આત્માને ઓળખીને તેમાં તન્મય થા.