Atmadharma magazine - Ank 315
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 45

background image
: ૨૦ : : પોષ : ૨૪૯૬
લક્ષ કરીને તેના હકારના સંસ્કાર જે પાડશે તેને પણ બીજા ભવમાં તે સંસ્કાર ઊગીને
આત્માનું પરમ હિત કરશે. ખરેખર, પરભવમાં એ સંસ્કાર નહિ ભૂલાય, તેમ એ
સંસ્કારદાતા ગુરુદેવનો ઉપકાર પણ નહિ ભૂલાય.
(જિજ્ઞાસુઓને વૈરાગ્યની પૃષ્ટિ માટે ગતાંકમાં પ્રગટ થયેલ “વૈરાગ્યસંબોધન”
લેખ પણ ફરીફરી વાંચવા ભલામણ છે–સં.)
૧૧ વર્ષનો બાળક
સોનગઢમાં ૧૧ વર્ષનો એક બાળક ગુરુદેવના પ્રવચનો સાંભળીને હોંશથી બોલ્યો
કે આવી વાત તો મહાન ભાગ્યશાળી હોય તેને સાંભળવા મળે. (એનું નામ દિલીપ.)
આજે નાના બાળકો પણ આ રીતે તત્ત્વજ્ઞાનમાં રસ લઈ રહ્યા છે તે આનંદની
વાત છે. અને બાળકોમાં તત્ત્વજ્ઞાનના સંસ્કાર કેટલા ઉપયોગી છે તે સિદ્ધ કરે છે.
બાલવિભાગની શરૂઆતમાં કેટલાક સજ્જનો કહેતા કે નાના છોકરાં આ વાતમાં શું
સમજે! તેનો આ જવાબ છે. આ જે અઢી હજારથી વધુ બાળકો ખૂબ જ ઉત્સાહથી
પુસ્તકો માટે ખૂબ જ માંગણી કરી રહ્યા છે. ગુરુદેવ પણ કહે છે કે નાના છોકરાઓ
ભાગ્યશાળી છે કે નાની વયમાં આવી સત્ય વાત રસથી સાંભળે છે.
“જૈન બન્યા”
દાહોદના એક વયોવૃદ્ધ જિજ્ઞાસુભાઈ કહેતા હતા કે અમે તો ‘આત્મધર્મ’ વાંચીને
જૈન બન્યા છીએ. ગુરુદેવે સમજાવેલું જૈનધર્મનું સાચું સ્વરૂપ આત્મધર્મ દ્વારા વાંચીને
અમે સાચા જૈન બન્યા. ત્યાર પહેલાં જૈનધર્મ શું છે તેની અમને ખબર ન હતી.
–દ્યો બચ્ચાને જ્ઞાન
માગશર સુદ ૧૨ ના રોજ મોરબીની રાષ્ટ્રિયશાળાના મુખ્ય બહેન બ્ર. વિદુબેન
અને તેમની શાળાના બાળકો સોનગઢ ગુરુદેવના દર્શનાર્થ આવ્યા હતા અને એક કલાક
સુધી નાના બાળક–બાળિકાઓએ ભક્તિનો કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પ્રસંગે
ઈનામમાં મળેલી પાંચસો રૂા. જેટલી રકમ પણ આગમમંદિરમાં અર્પણ કરી હતી.
બાળકોને નાનપણથી ઉત્તમ સંસ્કાર આપવામાં આવે તે ખૂબ ઉપયોગી છે. તેમાં
પણ ધાર્મીક જ્ઞાનના સંસ્કારો તો અત્યંત જરૂરી છે. જેટલી જરૂર મંદિરોની છે એટલી જ
જરૂર ધાર્મીકજ્ઞાનની છે. પ્રભાવના પાછળ બીજી રીતે ખરચાતા લાખો રૂપિયાની માફક
લાખો બાળકોમાં ધાર્મીકજ્ઞાનના સંસ્કાર રેડવા માટે પણ જૈન સમાજે જાગૃત થવાની
જરૂર છે. પૂ. ગુરુદેવ પણ ઘણી વાર કહે છે કે અત્યારે તો સાચું જ્ઞાન લોકોને મળે તે
માટે ખૂબ વીતરાગી સાહિત્ય બહાર પાડીને લોકોને સસ્તામાં સસ્તી કિંમતે મળે ને તેનો
ખૂબ પ્રચાર થાય–તે કરવા જેવું છે.