: પોષ : ૨૪૯૬ : ૨૧ :
સ્વાશ્રયે મોક્ષ...
પરાશ્રયે બંધન
પરવસ્તુ જીવને બંધનું કારણ નથી તેમ મોક્ષનું પણ
કારણ નથી; આમ જાણીને પર સાથેની કર્તૃત્વબુદ્ધિ છોડવી,
અને પરથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વરૂપનો આશ્રય કરવો–તે
મોક્ષનું કારણ છે.
*****
* બાહ્ય વસ્તુઓ જીવને બંધ–મોક્ષનું કારણ નથી–એ સિદ્ધાંત સમજાવીને
આચાર્યદેવ ભેદજ્ઞાન કરાવે છે; અને સ્વાશ્રયે મોક્ષ થવાનું સમજાવે છે.
* એક આત્મા બીજા પદાર્થોથી ભિન્ન છે; ભિન્ન હોવા છતાં તેમનાં કાર્યોને હું કરું,
અથવા તેમના કાર્યોથી મને બંધ–મોક્ષ થાય–એમ જીવ અજ્ઞાનથી માને છે; ને એ
મિથ્યામાન્યતા જ અજ્ઞાનમય હોવાથી બંધનું કારણ છે. સ્વ–પરનું ભેદજ્ઞાન
કરીને એ મિથ્યામાન્યતા છોડવી ને જ્ઞાનસ્વરૂપ આત્માનું જ્ઞાનભાવપણે જ રહેવું
તે મોક્ષનું કારણ છે.
* બાહ્યવસ્તુ નિમિત્ત ભલે હો, પણ તે વસ્તુનું કાર્ય તેનામાં જ છે, તેના પોતાથી
બહાર તેનું કાર્યક્ષેત્ર નથી; જીવની અવસ્થામાં તેનું કાંઈ જ કાર્ય નથી.
* જીવને બંધનું કારણ જીવમાં હોય, બીજામાં ન હોય; એ જ રીતે જીવને મોક્ષનું
કારણ જીવમાં હોય, જીવની બહાર ન હોય.
* પ્રશ્ન:– પરદ્રવ્ય જો બંધનું કારણ નથી, તો પરદ્રવ્યરૂપ બાહ્યવસ્તુ છોડવાનો
ઉપદેશ કેમ આપવામાં આવે છે?
* ઉત્તર:– પરદ્રવ્યના આશ્રયે થતો જીવનો ભાવ તે બંધનું કારણ છે, તેથી તે
પરાશ્રિતભાવને છોડાવવા માટે પરદ્રવ્યને છોડવાનું કહ્યું છે. પણ પરદ્રવ્ય છોડવું
એટલે ખરેખર પરદ્રવ્યનો આશ્રય છોડવો, ને સ્વદ્રવ્યનો આશ્રય કરવો–એમ તેનું
તાત્પર્ય છે. પરદ્રવ્યના આશ્રયે બંધન છે ને સ્વદ્રવ્યના આશ્રયે મુક્તિ છે–એ
મહાન સિદ્ધાંત છે.