Atmadharma magazine - Ank 316
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 41

background image
: મહા : ૨૪૯૬ : ૩ :
જ્ઞાન ને આનંદ આત્માથી જુદા નથી. જ્યાં આત્મા છે ત્યાં જ આનંદ છે, જ્યાં આત્મા છે
ત્યાં જ જ્ઞાન છે, જ્યાં જ્ઞાન ને આનંદ છે ત્યાં જ આત્મા છે. આ રીતે આત્મા પોતાના
ભાવોથી જુદો નથી. આવા આત્માની અંદર અનંત આનંદના નિધાન પડ્યા છે. તેની
સ્વાનુભૂતિ થતાં આનંદ આવે, તે દ્વારા આત્મા પ્રકાશે છે કે ‘હું આવો છું’ .
(ત્રણચાર હજાર માણસો જિજ્ઞાસાભર આત્મતત્ત્વની સ્વાનુભૂતિની આ વાત
સાંભળી રહ્યા હતા; ત્યારે ૩૭ વર્ષ પહેલાંના એ દ્રશ્યો તાજા થતા હતા કે જ્યારે ૪૩
વર્ષની વયના ગુરુદેવ આ ભોજનશાળાને લાઉડસ્પીકર વગર પણ આત્મપ્રવચનથી
ગજાવતા હતા, ને આખી ભોજનશાળા શ્રોતાજનોથી ઉભરાઈ જતી.)
ગુરુદેવ કહે છે કે હે ભાઈ! તારી દશાને સ્વ તરફ વાળીને અંતરમાં જો. બહારના
શરીરનું ખોખું તે તું નથી. અંદર ચૈતન્યસ્વરૂપ આત્મા આનંદનો કંદ છે, તે કાંઈ
શરીરરૂપ થયો નથી. સ્વાનુભૂતિ વડે જ આવો આત્મા જણાય છે.–આ વાત પરમેશ્વરના
પ્રતિનિધિ એવા સંતોએ જાતે અનુભવીને શાસ્ત્રમાં ફરમાવી છે. રાગથી પાર એવી
અંતરની સ્વાનુભૂતિ વડે તારો આત્મા તને પ્રત્યક્ષ થશે.–આવો અનુભવ થાય ત્યારે
આત્મામાં આનંદના દરિયા ડોલી ઊઠે...ત્યારે સમ્યગ્દર્શન થાય ને ધર્મ થયો કહેવાય. તે
જીવ ભગવાનના માર્ગમાં ભળ્‌યો.
આ તરફ આવો
ચૈતન્યતત્ત્વને અનુભવવામાં જે જાગૃત નથી
ને રાગના જ અનુભવમાં લીન થઈને સૂતા છે–ઊંઘે
છે, એવા અંધ પ્રાણીઓને જગાડીને આચાર્યદેવ કહે
છે કે અરે જીવો! તમે જાગો...ને તમારા ચૈતન્યમય
તત્ત્વને રાગથી અત્યંત ભિન્ન દેખો. રાગમાં તમારું
નિજપદ નથી, તમારું નિજપદ ચૈતન્યમાં જ છે, તેને
તમે દેખો...દેખો. રાગ તરફ અનાદિથી દોડી રહ્યા
છો, ત્યાંથી પાછા વળો...પાછા વળો...પાછા વળો,
ને આ અંતરના ચૈતન્યપદ તરફ આવો...આ તરફ
આવો. તમારા આ શુદ્ધ ચૈતન્યપદને દેખીને
આનંદિત થાઓ.