બહારની તો કોઈ ચીજ દુકાન–મકાન–શરીર વગેરે આત્માની નથી, પણ અંદર જે રાગ–
દ્વેષના ભાવ થાય છે તે આત્માનું ખરું સ્વરૂપ નથી, તેનો નાશ કરીને આત્મા મુક્તિ
પામે છે. ભાઈ, તને જડ–શરીરની અને પુણ્યના ઠાઠની કિંમત લાગે છે. તેનો મહિમા
અને રસ તને આવે છે, પણ અનંત સુખથી ભરપૂર, પુણ્ય–પાપ વગરની ને શરીર
વગરની ચીજ એવો જે તારો આત્મા તેની કિંમત, તેનો મહિમા, તેનો રસ અંતરમાં
જગાડ તો ધર્મ થાય ને મુક્તિ મળે. બહારનો મહિમા કરી કરીને તું સંસારમાં રખડયો
પણ જે અનંત જ્ઞાનસમુદ્ર પોતામાં છે તેની સામું જોયું નહીં. અહીં તેને સમજાવે છે કે
ભાઈ! આત્મા તો જ્ઞાનનો સિંધુ છે, જ્ઞાન ને આનંદનો દરિયો આત્મા છે, પણ તે કાંઈ
રાગનો કે પુણ્યનો દરિયો નથી; જડનો ને રાગનો તો ચૈતન્યસમુદ્રમાં અભાવ છે. પણ
જ્ઞાન અને આનંદથી તે ભરેલો છે. આત્માના જ્ઞાન ને આનંદ છે તો પોતામાં–પણ
ભૂલીને શોધે છે બહારમાં; જે વસ્તુ જ્યાં હોય ત્યાં શોધે તો તે મળે. પણ વસ્તુ હોય
ઘરમાં ને શોધે બહાર–તો ક્યાંથી મળે? તેમ ચૈતન્યવસ્તુને ચૈતન્યમાં શોધે તો મળે, પણ
ચૈતન્યવસ્તુને રાગમાં કે જડનાં ઢગલામાં શરીરની ક્રિયામાં શોધે તો ક્્યાંથી મળે?–કદી
ન મળે. જેમ માતા બાળકને તેનાં ગાણાં સંભળાવે તેમ આ જિનવાણીમાતા જીવને તેના
ગુણનાં ગાણાં સંભળાવે છે કે ભગવાન! તું અનંત ગુણનો ભંડાર છો, તું શુદ્ધ છો, તું
બુદ્ધ છો, જ્ઞાનનો સમુદ્ર તું પોતે છો. આવા આત્માને લક્ષગત કરતાં ચૈતન્યસમુદ્ર પોતે
તળીયેથી ઊલ્લસીને પર્યાયમાં જ્ઞાનની ને સુખની ભરતી આવે છે. આવા આત્માની
સમજણનો વેપાર કરવા જેવું છે. સમજણનો વેપાર એટલે કે અંતર્મુખ થઈને આત્માને
સમજવાનો વારંવાર અભ્યાસ કરવો, તે લાભનો વેપાર છે.
સ્વરૂપના વિચાર, અંતરમાં શાંત થઈને વિવેકપૂર્વક કરવા. અને એવા અંર્તવિચાર વડે
આત્માનું સ્વરૂપ સમજતાં સર્વે સિદ્ધાંતનો સાર અનુભવમાં આવી જાય છે. જ્ઞાનનો
સમુદ્ર તો આત્મા પોતે છે; પણ પુણ્ય–પાપની તરણાં જેવી લાગણીઓને પોતાનું સ્વરૂપ
માનીને ભ્રમણાથી તેમાં અટકી રહ્યો છે