: ૨૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
તેમણે આવીને પ્રભુની સ્તુતિ કરી. ત્યારબાદ ઈન્દ્રરાજ પાલખી લઈને આવી પહોંચ્યા;
ને એક સુંદર વનમાં પ્રભુની વૈરાગ્યસવારી આવી પહોંચી. એ મનોહર વન પ્રભુની
દીક્ષાથી પાવન થઈને વધારે મનોહર બન્યું.
દીક્ષા લેતી વખતે સ્વયં ભગવાન સ્વહસ્તે જ કેશલોચ કરે છે. પણ મુનિદશાના
પરમ બહુમાન પૂર્વક કાનજી સ્વામીએ કેશલોચ વિધિમાં ભાગ લઈને પોતાની
મુનિદશાની ભાવનાને પૂષ્ટ કરી. ભગવાન તો સ્વયં કેશલુંચન કરીને દિગંબર મુનિ
થયા, ને અમે પણ કેશલોચ કરીને દિગંબર મુનિદશા ક્્યારે ધારણ કરીએ! એમ પરમ
ભક્તિ અને બહુમાન વ્યક્ત કર્યું. પછી વૈરાગ્ય ભરેલા વનના વાતાવરણમાં અદ્ભુત
શાંતરસનો ધોધ વહેવડાવતાં પ્રવચનમાં કાનજી સ્વામીએ કહ્યું–
બધાય તીર્થંકર ભગવંતો દીક્ષા લેતાં પહેલા બાર વૈરાગ્યભાવના ભાવે છે,
આત્માના ભાનપૂર્વક બધાએ તે ભાવના ભાવવા જેવી છે કે–અહો મુનિદશાનો અપૂર્વ
અવસર ક્યારે આવે?
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો...
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહત્પુરુષને પંથ જો!
સિદ્ધભગવંતો અને તીર્થંકર ભગવંતો જેવા મહાપુરુષોના પંથે જઈએ, નગ્ન
દિગંબર મુનિદશા ધારણ કરીએ, રાગ–દ્વેષ–મોહનાં ને બાહ્ય પરિગ્રહના સર્વે બંધન
અત્યંતપણે છેદીને, મુનિ થઈને મોક્ષના પંથે ક્યારે વિચરીએ! એવી મુનિદશાનો ધન્ય
અવસર ક્યારે આવે! એમ ધર્મી ભાવના ભાવે છે; અને આજે પારસનાથ ભગવાને
એની મુનિદશા હમણાં ધારણ કરી.
મુનિદશા તો મહા વીતરાગ છે. માત્ર એક શરીર સિવાય બહારમાં બીજો કોઈ
સંબંધ નથી, શરીર પણ વસ્ત્રરહિત છે. અંતરમાં રાગ–દ્વેષ વગરના આત્માનું ભાન છે,
બહારમાં દિગંબર દશા છે. ગમે તેવા પરિષહ–ઉપસર્ગમાં પણ જ્યાં રાગ–દ્વેષ થતા નથી,
પોતાના સ્વરૂપને સાધવામાં જ મશગુલ છે. અહો, આવી મુનિદશા તો જગતમાં પૂજ્ય છે.
દસ–પંદર હજાર શ્રોતાજનો સ્તબ્ધ બનીને વૈરાગ્યભાવનામાં ઝૂલતા હતા; વનના
શીતળ શાંત વાતાવરણ વચ્ચે વીતરાગી આત્માની ઉત્તમ ભાવનાને મલાવતા કાનજી
સ્વામી કહે છે કે અહો, એ મુનિદશા! જ્યાં સર્વાર્થસિદ્ધિ દેવની રિદ્ધિ હો કે રજકણના