Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 57

background image
: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
શિરપુર–પ્રવચનમાં અરિહંતદેવની ઉપાસનાનું સ્વરૂપ
શિરપુરમાં પંચકલ્યાણક મહોત્સવ પ્રસંગે સવારે
સમયસાર તથા બપોરે ઉપાસકસંસ્કાર (પદ્મનંદી પચ્ચીસી)
ઉપર પ્રવચનો થતા હતા; તેમાં સમ્યગ્દર્શન શું અને
શ્રાવકની ભૂમિકામાં સમ્યક્ત્વસહિત કેવા ભાવો હોય,
વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ પૂજા–બહુમાન વગેરે કેવા
ભાવો હોય તેનું સુંદર વિવેચન થતું હતું; તેનો થોડો ભાગ
અહીં આપ્યો છે.
સમ્યગ્દર્શન અને આત્મભાન સહિત સ્વરૂપમાં લીન થઈને જેને ચારિત્રદશા થઈ
તે મુનિદશાની તો શી વાત! એ તો સાક્ષાત્ ધર્મ છે. એવી મુનિદશામાં તો વીતરાગતા
એટલી ઉગ્ર થઈ ગઈ છે કે વસ્ત્રધારણ કરવા જેટલો રાગ ત્યાં રહ્યો નથી. આમ છતાં,
મુનિદશામાં થોડા પણ વસ્ત્ર અંગીકાર કરવાનું જે માને તેને વીતરાગી મુનિદશાની
ખબર નથી; મુનિની દશામાં સંવર–નિર્જરા કેટલા તીવ્ર છે, આસ્રવ–બંધ કેટલા મંદ થઈ
ગયા છે, તેની તેને ખબર નથી; એટલે બધા તત્ત્વોમાં તેની ભૂલ છે.
ચારિત્રવંત મુનિદશા તે તો પરમેષ્ઠી પદ છે, જગતપૂજ્ય છે. હવે આવી મુનિદશા
પહેલાં ધર્મી શ્રાવક કેવા હોય અને તે શ્રાવકની ભૂમિકામાં દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે સંબંધી
શુભભાવ કેવો હોય? તેનું વર્ણન આ ઉપાસક સંસ્કાર અધિકારમાં છે.
ધર્મનો પ્રેમી શ્રાવક ઉત્તમ જિનમંદિર બંધાવે છે અને સર્વજ્ઞ–જિનદેવ અરિહંત
પરમાત્માની પ્રતિમા તેમાં બિરાજમાન કરે છે. ભગવાનને ઓળખ્યા છે, એટલે
વીતરાગતાને અનુરૂપ તેમની પ્રતિકૃતિ સ્થાપે છે. ભગવાનની પ્રતિમા પણ ભગવાન
જેવી વીતરાગ હોય, તેને વસ્ત્ર–આભૂષણ ન હોય. દિનેદિને પહેલાં પરમાત્માને યાદ
કરીને તેમના દર્શન–પૂજન કરે, એ શ્રાવકનું કર્તવ્ય છે. વીતરાગતા જેને વહાલી છે તે
સૌથી પહેલાં વીતરાગ પરમાત્માને યાદ કરીને પછી બીજા કામમાં જોડાય છે.
સમન્તભદ્રસ્વામી જેવા મુનિરાજ પણ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે–હે
પ્રભો! મને આપની સ્તુતિ કરવાનું વ્યસન થઈ ગયું છે. નિતનિત નવા નવા ભાવથી
સર્વજ્ઞ–વીતરાગની સ્તુતિ કરવાનું મને વ્યસન છે. ધર્મીને સર્વજ્ઞ પરમાત્માનો પ્રેમ
જાગ્યો તે કદી છૂટતો નથી.