: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૩૫ :
વૈશાખ સુદ બીજ નિમિત્તે નિબંધ યોજના
* (આવેલા નિબંધોનો સાર) *
વૈશાખ સુદ બીજ નિમિત્તે અનેક વિષયો ઉપર નિબંધ માંગવામાં આવ્યા છે, તે
સંબંધી વિગત ગતાંકમાં તેમજ આ અંકમાં પણ આપ વાંચશો.
નિબંધ સંબંધી જાહેરાત વાંચીને, જિજ્ઞાસુઓએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે. ને
નિબંધો આવવા શરૂ થઈ ગયા છે. સૌથી પહેલો નિબંધ લખનાર છે–રાજકોટના
ચીમનભાઈ શાહ; આત્મધર્મ વાંચીને બીજે જ દિવસે તેમણે નિબંધ લખી મોકલ્યો એ
તેમની તત્પરતા છે. બીજો નિબંધ લખનાર ગીતાબેન ગાંડાલાલ ચાવડા, તેઓ પણ
રાજકોટના છે તેઓ બંનેએ ગુરુદેવના ઉપદેશ પ્રતાપે આત્મધર્મ વાંચન દ્વારા કેવા
ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત કર્યા છે તે તેમના લખાણ ઉપરથી જણાઈ આવે છે.
આ નિબંધ યોજના સૌનો ધાર્મિક ઉત્સાહ વધારવાના હેતુથી યોજવામાં આવી
છે. અને નાના બાળકો, વિદ્યાર્થી યુવાનો કે પ્રૌઢ જિજ્ઞાસુઓ સૌ કોઈ પોતપોતાને સ્ફૂરે
તેવું લખાણ લખી મોકલશો–જેથી અરસપરસ એકબીજાના ઉત્તમ વિચારો જાણીને સૌને
પ્રોત્સાહન મળે. નાના બાળકોનું ટૂંકું લખાણ પણ સ્વીકારવામાં આવશે. મળેલા બધા જ
નિબંધોનો સાર ભાગ (યોગ્ય સંશોધન કરીને) આત્મધર્મમાં રજુ કરવા પ્રયત્ન થશે.
આ અંકમાં એવા બે નિબંધોનો સાર આપીએ છીએ.
(–સંપાદક)
(નિબંધ નં: ૧) ઉત્તમ જીવન ક્યા પ્રકારે જીવવું?
(લે. ચીમનભાઈ શાહ, રાજકોટ)
આત્મધર્મ અંક ૩૧૬ માં નિબંધ માટે જે સાત વિષયો આપ્યા છે તે એકબીજાથી
ચઢીયાતા છે, તેમાં હું નંબર એક વિષે મારા વિચાર જણાવું છું
“ઉત્તમ જીવન કેમ જીવવું” તેનો એક જ વાક્યમાં પ્રત્યુતર આપવો હોય તો એ
હોઈ શકે કે, પ્રત્યેક જીવાત્માએ આત્મા તરફ જ લક્ષ કેન્દ્રિત કરી, તે માટે સંપૂર્ણ સિદ્ધિ
પ્રાપ્ત થતાં સુધી તેમાં જ મચ્યા રહેવાનો પ્રચંડ પુરુષાર્થ જારી રાખવો.
આ પ્રકારનો પુરુષાર્થ કઈ રીતે કરવો? તેનો જવાબ આપણે માનવજીવનની
મુખ્યતાથી વિચારીએ; તે માટે માનવજીવનને બે વિભાગમાં વહેંચશું–