: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૩૯ :
કે રાજપદનો સંયોગ હો, પણ ચૈતન્યસ્વરૂપમાં તે સંયોગનો પ્રવેશ નથી. સંયોગમાંથી કે
રાગમાંથી સુખ લેવાની બુદ્ધિથી જીવો દુઃખી છે. જ્ઞાની તો જાણે છે કે–
આતમરામ અવિનાશી આવ્યો એકલો,
જ્ઞાન અને દર્શન છે મારું રૂપ જો.
જ્ઞાનદર્શનમય પોતાનું સ્વરૂપ છે, તે અવિનાશી એકરૂપ છે; બહારના ભાવોનો
તેમાં પ્રવેશ નથી–
બહિરભાવો તે સ્પર્શે નહીં આત્મને,
ખરેખરો એ જ્ઞાયકવીર ગણાય જો.
પરથી ભિન્ન ચિદાનંદસ્વભાવ તરફની સાવધાનીથી સમ્યગ્દર્શન થાય છે;
તે સમ્યગ્દર્શન થતાં પોતાના અંતરમાં પોતાના આત્માને જ પરમેશ્વર સ્વરૂપે જ્ઞાની
દેખે છે. શરીર હું, મનુષ્ય હું, રાગ–દ્વેષી હું–એવી મિથ્યાબુદ્ધિવશ જીવ પોતાના
ચેતનસ્વરૂપને ભૂલ્યો હતો; ભૂલ્યો હતો પણ કાંઈ તેનો નાશ થઈ ગયો ન હતો;
તેથી જ્યારે સ્વાનુભવી ગુરુના ઉપદેશથી પ્રતિબુદ્ધ થયો ત્યારે પોતાના સ્વરૂપને
પોતામાં જ જાણ્યું કે હું તો જ્ઞાન–દર્શનથી જ ભરપૂર પરિપૂર્ણ છું.
આત્માનું શુદ્ધસ્વરૂપ શ્રીગુરુએ નિરંતર સમજાવ્યું, એટલે કે શિષ્યને તે સ્વરૂપ
સમજવાની નિરંતર જિજ્ઞાસા હતી; તેણે અંતરના પ્રયત્નવડે સ્વસંવેદન પ્રત્યક્ષથી
પોતાના આત્માને જાણ્યો. જાણતાં જ અંદરથી અપૂર્વ આનંદ અને શાંતિનું વેદન થયું;
પોતાને પોતાની ખબર પડી કે મારા શુદ્ધ આત્માને મેં જાણ્યો છે. આવા આત્માનો
અનુભવ કરીને જ્ઞાનપ્રકાશવડે મોહનો એવો નાશ કર્યો કે ફરીને કદી અજ્ઞાન ન થાય.
આત્માનું જ્ઞાન કરીને તેમાં રમ્યો તે સાચો આત્મારામ થયો. આત્મારૂપી જે આનંદનો
બગીચો તેમાં ધર્મીજીવ કેલિ કરે છે.
* * *
આત્મા કેવો છે? કે સહજ એક જ્ઞાયકભાવરૂપ છે. તેના અનુભવથી જ
સમ્યગ્દર્શન છે. ભૂતાર્થસ્વભાવ સિવાયના જે વ્યવહારિક નવતત્ત્વો છે તે–રૂપે આત્માને
અનુભવતાં સમ્યક્ત્વ થતું નથી. ધર્મી પોતાના શુદ્ધ આત્માને તે વ્યવહારિક નવતત્ત્વોથી
અત્યંત જુદો, એકરૂપ અનુભવે છે.
અહો, આવી સત્ય ચૈતન્ય વસ્તુનું શ્રવણ પણ મળવું જીવને દુર્લભ છે. અને
મહાભાગ્યે સાંભળવા મળે તો તેનો અંતરમાં નિર્ણય કરીને તેને લક્ષગત કરવી તે અપૂર્વ
પ્રયત્નથી થાય છે.