: ૪૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
જ્ઞાન થાય છે. શરીર તે કાંઈ આત્મનું અંગ નથી, રાગદ્વેષ પણ ખરેખર આત્માનું અંગ
નથી, જ્ઞાનાદિ અનંત ગુણો ને તેની પર્યાયો તે આત્માના અંગો છે. તે અવસ્થાને
અંતરમાં ધ્રુવ સાથે લગાવવાથી આનંદકંદ આત્માનું જ્ઞાન થાય છે. આ રીતે શુદ્ધતારૂપે
પરિણમ્યો ત્યારે શુદ્ધ આત્માની ઉપાસના થઈ એટલે મોક્ષમાર્ગ થયો. આ રીતે પોતાના
દ્રવ્યગુણપર્યાયના જ્ઞાન વડે મોક્ષમાર્ગ થાય છે.
* * *
અંતરીક્ષ એટલે નીરાલંબી આત્મભગવાન,
તેની પ્રતિષ્ઠા રાગમાં થઈ શકે નહીં.
શિરપૂર–મહારાષ્ટ્ર (અંતરીક્ષ–પાર્શ્વનાથ)માં પંચકલ્યાણક–
પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનોમાંથી.
(સમયસાર સંવર અધિકાર)
ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે જ્ઞાનરૂપે પોતાને અનુભવવો તે મોક્ષનું ને
આનંદનું કારણ છે. જ્ઞાનભાવ પ્રગટ્યો ત્યાં આત્માને કર્મનો આસ્રવ કે બંધ થતો નથી.
આવું જ્ઞાન કેમ પ્રગટે, એટલે કે સંવરરૂપ મોક્ષમાર્ગ કેમ થાય તે વાત અલૌકિક રીતે
આચાર્યદેવ આ સમયસારમાં સમજાવે છે.
આત્મા ઉપયોગસ્વરૂપ છે. ઉપયોગને અને આત્માને એકપણું છે, પણ ઉપયોગને
અને ક્રોધને એકપણું નથી. ઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધમાં–કર્મમાં કે શરીરમાં ઉપયોગ
નથી; તેમ તે ક્રોધાદિમાં ક્રોધાદિ છે, ઉપયોગમાં ક્રોધાદિ નથી. આ રીતે ઉપયોગસ્વરૂપ
આત્મા, અને ક્રોધાદિસ્વરૂપ અનાત્મા, તે બંનેની ભિન્નતાનું યથાર્થ ભેદજ્ઞાન થાય ત્યારે
જીવ પોતાને ઉપયોગસ્વરૂપે જ અનુભવે છે. ક્રોધાદિ પરભાવોને પોતાથી ભિન્ન જાણે છે
એટલે તેનો તે જરાપણ કર્તા થતો નથી, તેમાં જરાય તન્મય થતો નથી. આવું સમ્યક્
ભેદજ્ઞાન તે અભિનંદનીય છે, તે મોક્ષનું કારણ હોવાથી પ્રશંસનીય છે. આચાર્યદેવ કહે છે
કે અહો! આવું નિર્મળ ભેદજ્ઞાન જીવને આનંદ પમાડતું થકું પ્રગટ થયું છે, માટે હવે
પરભાવોને છોડીને આનંદમય વિજ્ઞાનઘન આત્મામાં જ એકાગ્ર થાઓ. આ ધાર્મિક ક્રિયા
છે, આ મોક્ષની ક્રિયા છે.