Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 57

background image
: ૪૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
વિકલ્પ કરતાં આવડે તે ક્રિયાના આધારે કાંઈ ધર્મની ક્રિયા નથી. અને જ્ઞાનભાવરૂપ
આત્માની જે ધર્મક્રિયા છે તે ક્રિયાના આધારે કાંઈ વચન કે વિકલ્પ નથી. અહો!
ભગવાને કહેલી ધર્મક્રિયા અલૌકિક છે; લોકોને તે ધર્મક્રિયાની ખબર નથી. સમયસારમાં
આચાર્યદેવે તે ધર્મક્રિયા સમજાવી છે. આત્માની આ ધર્મક્રિયા આત્માના ધ્રુવસ્વભાવથી
અભિન્ન છે; વીતરાગીપર્યાય તે ત્રિકાળી વીતરાગસ્વભાવથી અભિન્ન છે, તેથી તે જ
આત્માની સાચી ક્રિયા છે.
આત્માના સ્વભાવની સન્મુખ થયેલા જ્ઞાનની જે ક્રિયા છે તે જ ધર્મની ક્રિયા છે;
તે ક્રિયામાં રાગનો સર્વથા અભાવ છે. આત્મા આવી જ્ઞાનક્રિયામાં પ્રકાશે છે, પણ
રાગક્રિયામાં આત્મા પ્રકાશતો નથી. પોતાના જ્ઞાનમાં, શ્રદ્ધામાં આવા આત્મસ્વરૂપને
સ્થાપવું તે જિનભગવાનની પરમાર્થ પ્રતિષ્ઠા છે. તેના પ્રતિબિંબરૂપ જિનભગવાનની
પ્રતિષ્ઠા આજે અહીં જિનમંદિરમાં થાય છે. આત્માને ક્યાં બિરાજમાન કરવો? કે
અંતરની પોતાની જ્ઞાનક્રિયામાં જ આત્માને બિરાજમાન કરવો. જ્ઞાનક્રિયા તે જ
ચૈતન્યભગવાનની પ્રતિષ્ઠા કરવાનું સિંહાસન છે, રાગક્રિયામાં ચેતનભગવાનને સ્થાપવા
માંગે તો ચેતનભગવાન તેમાં નહીં બેસે, રાગમાં ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ નહીં
થાય, જ્ઞાનને અંતર્મુખ કરતાં તે જ્ઞાનની ક્રિયામાં જ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય
છે. જેણે આવો અનુભવ કર્યો તેણે પોતાના અંતરમાં સર્વજ્ઞભગવાનની સાચી પ્રતિષ્ઠા
કરી કે ‘હું જ સર્વજ્ઞસ્વભાવી ભગવાન છું.’–આવી સ્થાપના કરી તે પોતે અલ્પકાળમાં
સાક્ષાત્ સર્વજ્ઞપરમાત્મા થઈ જશે.
* * * * * *
(અનુસંધાન પૃષ્ઠ ૪૦ થી ચાલુ)
અરિહંતપણું તો નથી છતાં તેનું ધ્યાન કેમ કરો છો? તો કહે છે કે–ના, શક્તિમાં
અરિહંતપણું વિદ્યમાન છે. અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણતાં આત્માનું શુદ્ધસ્વરૂપ
જણાય છે ને તેને જાણતાં–ધ્યાવતાં મોહનો નાશ થઈને આનંદનો અનુભવ થાય છે.
અમે એમ ને એમ કલ્પિત ધ્યાન નથી કરતા, પણ આત્મામાં પરમાત્મપદની જે શક્તિ
વિદ્યમાન સત્ છે તેને ઓળખીને તેનું ધ્યાન કરીએ છીએ, તે જો મિથ્યા હોય તો આનંદ
કેમ આવે? પર્યાયમાં ભલે અરિહંતપણું પ્રગટ ન હોય પણ સ્વભાવની શક્તિમાં
અરિહંતપદ પડ્યું છે, તેના ધ્યાનવડે પર્યાયમાં અરિહંત થવાના છીએ–એવી નિઃશંકતાથી
જે આનંદ અનુભવાય છે તે માંગળિક છે.