: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૪૫ :
–: જાણનારને જાણ્યા વિના કલ્યાણ કોનું? :–
વ્યારા શહેરમાં જૈન ઉપાશ્રયમાં પ્રવચન હતું.
શહેરના શ્વેતાંબર સમાજના ભાઈઓએ પણ ઉત્સાહપૂર્વક
સહકાર આપીને લાભ લીધો હતો; ને સમાજમાં પ્રેમભર્યું
વાતાવરણ હતું.
(વ્યારા શહેરમાં પ્રવચન: માહ વદ ત્રીજ)
જ્ઞાન વડે આત્મા પોતે પોતાને જાણે તે કલ્યાણનો ઉપાય છે. જ્ઞાનને અંતર્મુખ
કરીને આત્મા પોતે પોતાને જાણતાં આનંદનો અનુભવ થાય છે. અરિહંત ભગવાન
સર્વજ્ઞ પરમાત્મા થયા તે ક્યાંથી થયા? આત્મામાં કેવળજ્ઞાનની તાકાત હતી, તેનું ભાન
કરીને તેમાંથી સર્વજ્ઞતા અને પૂર્ણ આનંદ પ્રગટ કર્યો છે, બહારથી સર્વજ્ઞતા નથી આવી.
એકેક આત્મામાં પોતાની સર્વજ્ઞશક્તિ છે; સર્વજ્ઞશક્તિવાળા પોતાને જાણતાં રાગાદિ
પરભાવોમાં આત્મબુદ્ધિ રહેતી નથી; સર્વજ્ઞસ્વભાવી પોતે પોતાને જાણ્યા વગર રાગબુદ્ધિ
છૂટે નહીં ને કલ્યાણ થાય નહીં.
જેમ શ્રીફળમાં સફેદ મીઠું ટોપરું છે તે રાતી છાલથી જુદું, કાચલીથી જુદું, તેમજ
ઉપરના છાલાંથી જુદું છે; તેમ આનંદથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ રાગાદિ ભાવકર્મોથી
જુદું છે, આઠકર્મોરૂપી કાચલીથી જુદું છે, તેમજ છોતાં જેવા શરીરથી જુદું છે. આવું
ચૈતન્યપદ તે જ આત્માનું સાચું નિજપદ છે. આવું નિજપદ બતાવીને આચાર્યદેવ કહે છે
કે અરે જીવો! મોહમાં કેમ સૂતા છો? પરપદને નિજપદ સમજીને તમે મોહી કેમ થઈ
રહ્યા છો? એ પદ તમારું નથી. તમારું પદ તો ચૈતન્યસ્વરૂપ છે, તેને તમે જાણો.
નિજપદને જાણવાથી જ કલ્યાણ થાય છે. નિજપદને જાણ્યા વિના બીજા અનંત ઉપાયે
પણ કલ્યાણ ન થાય. અરે, આવું મનુષ્યપણું મળ્યું તેમાં આત્માના હિતનો તો વિચાર
કરો. આત્મા શું ચીજ છે ને તેનું સાચું સ્વરૂપ શું છે તે ઓળખો.
પ્રભુ! તારા આત્માને ભૂલવાથી અને બહારમાં સુખ શોધવાથી ક્ષણે ક્ષણે તારું
ભાવમરણ થાય છે. હીરાની, રત્નોની બહારની વસ્તુની કિંમત તું કરે છે, બધાની કિંમત
કરનારો આત્મા પોતે કેવો કિંમતી છે? કેવા અનંતગુણો તેનામાં છે? તેની તને ખબર
નથી; જાણનારો પોતે પોતાને જાણતો નથી–એ તે જ્ઞાન કેવું? બાપુ! તું તો આનંદનું
ધામ છો. અંતરમાં તારા આત્માને જાણ તો તારો આનંદ તને અનુભવાય. જાણનારને
જાણ્યા વિના કલ્યાણ કોનું? જાણનારો પોતે પોતાને જાણે તે જ કલ્યાણ છે.