Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 57

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૪૯ :
* આનંદ આત્માનો સ્વભાવ છે *
(એદલાબાદમાં પૂ. કાનજીસ્વામીનું પ્રવચન: તા. ૨૬–૨–૭૦)
આત્માનું જ્ઞાન કરીને અનંતા જીવો સર્વજ્ઞ પરમાત્મા થઈ ગયા; તેવો સ્વભાવ
દરેક આત્મામાં છે. રાગ–દ્વેષ એ કાંઈ તેનો કાયમી સ્વભાવ નથી, એનો કાયમી સ્વભાવ
આનંદ અને જ્ઞાનરૂપ છે.
જેમ પાણીનો શીતળ સ્વભાવ છે; પણ લીલફૂગ તે પાણીનો સ્વભાવ નથી; તેમ
આત્માનો શાંત ચૈતન્યસ્વભાવ છે, પણ આકુળતા–રાગ–દ્વેષ તે તેનો સ્વભાવ નથી.
આત્મા અનંતવાર મોટો રાજા–મહારાજા, કરોડોપતિ ને અબજોપતિ થયો, પણ
તેને સુખ જરાય ન મળ્‌યું.–કેમકે સુખસ્વરૂપ એવો પોતાનો આત્મા તેણે કદી જાણ્યો
નથી, તેની સાચી વાત અંતરના પ્રેમથી સાંભળી નથી. આત્માનું સ્વરૂપ જેવું છે તેવું
સાંભળીને તેનો નિર્ણય કરે ત્યારે તેના સાચા સુખનો અનુભવ થાય, એ સિવાયનું બધું
ફોક છે.
જેમ સોનાની એકસરખી દશ લગડી ઉપર જુદા–જુદા નાના–મોટા વસ્ત્ર વીંટયા
હોય તેથી કાંઈ અંદરની લગડી જુદી–જુદી જાતની થઈ જતી નથી, લગડી તો વસ્ત્રથી
જુદી, એકસરખી છે. તેમ અનંતા જીવો જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી છે. તેમાં ઉપર જુદા–
જુદા શરીરનો સંયોગ છે,–કોઈને પુરુષનું શરીર, કોઈને સ્ત્રીનું શરીર, કોઈને દેવનું
શરીર, કોઈને મનુષ્યનું, કોઈને ઢોરનું–એમ ઉપરના ચામડા જુદા જુદા છે પણ આત્મા
કાંઈ સ્ત્રી–પુરુષ વગેરે નથી, આત્મા તો તે શરીરથી જુદા એકસરખા જ્ઞાનસ્વરૂપ છે.
જેવા સિદ્ધ પરમાત્મા છે તેવો દરેક આત્મા છે.
આત્માનો સ્વભાવ પરભાવોથી ભિન્ન છે, ને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવથી પૂરો
છે, તેને કોઈ આદિ કે અંત નથી. સંકલ્પ–વિકલ્પથી રહિત એવા શુદ્ધનયવડે આવો
આત્મા જ્યારે અનુભવમાં આવે છે ત્યારે એવો કોઈ આત્મિક આનંદ થાય છે કે જે
આનંદની પાસે ઈન્દ્રપદ કે ચક્રવર્તી પદના વૈભવની પણ કાંઈ ગણતરી નથી. રાગ અને
સંયોગ તો ઉપાધિ છે, તે કાંઈ ચૈતન્યની મૂળ વસ્તુ નથી. શુભ–અશુભ રાગ તે
ચૈતન્યધર્મથી જુદી ચીજ છે. આવા ચૈતન્યસ્વરૂપ આત્માને ઓળખવો તે ધર્મ છે.